પાટણ, 11 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાત રાજ્ય મુલ્કી સેવા નિયમો-2002 અનુસાર, બે કરતાં ઓછા જીવંત બાળકો ધરાવતી તમામ મહિલા કર્મચારીઓને 180 દિવસની પગાર પ્રસૂતિ રજા મળવાપાત્ર છે. આ રજા કર્મચારીની અરજી તારીખ કે પ્રસૂતિ તારીખમાંથી જે તારીખ વહેલી હોય તેનાથી ગણવામાં આવે છે. એક વર્ષથી વધુ અને બે વર્ષથી ઓછી સતત નોકરી ધરાવતી મહિલાઓને પણ આ લાભ મળવો જોઈએ.
પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ પરમારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અરજી કરી છે કે સરકારી વિભાગોમાં કામ કરતી આઉટસોર્સિંગ અને કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ મેટર્નિટી લીવ દરમિયાન પગાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. આ રજૂઆત તેમણે ઈમેલ દ્વારા કરી હતી.
મુખ્યમંત્રી કાર્યાલયે આ રજૂઆતને ગંભીરતાપૂર્વક લઈને લેબર વિભાગને આગળની કાર્યવાહી માટે મોકલી છે. આ પગલાથી હવે આઉટસોર્સિંગ અને કરાર આધારિત મહિલા કર્મચારીઓને પણ સરકારી કર્મચારીઓ સમાન હક્કો અને લાભ મળવાની શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ