ભાવનગર 12 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય રેલવેએ ટિકિટ ચેકિંગ સ્ટાફ માટે બાયોમેટ્રિક સાઇન-ઓન સિસ્ટમ શરૂ કરી છે. આ જ પહેલ હેઠળ ભાવનગર રેલ મંડળે પણ પોતાના ટિકિટ ચેકિંગ સ્ટાફ (TTE) ની ડ્યુટી પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. મંડળના તમામ સાત (7) ટીટીઈ લોબીમાં આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સિસ્ટમ સફળતાપૂર્વક અમલમાં મૂકી દેવામાં આવી છે.
અગાઉ ટિકિટ ચેકિંગ સ્ટાફનું સાઇન-ઓન અને સાઇન-ઓફ કાર્ય યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા કરવામાં આવતું હતું. હવે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે આધાર આધારિત બાયોમેટ્રિક સિસ્ટમ અમલમાં મૂકી છે. તેમાં ફિંગરપ્રિન્ટ ડિવાઇસને TTE લોબી એપ્લિકેશન સાથે જોડવામાં આવ્યું છે અને તેને C-DAC પોર્ટલ સાથે એકીકૃત કરવામાં આવ્યું છે. હવે TTE પોતાની ડ્યુટીની શરૂઆતમાં બાયોમેટ્રિક સાઇન-ઇન કરશે અને ડ્યુટી પૂર્ણ થતાં સાઇન-આઉટ કરશે. આ વ્યવસ્થાથી માત્ર કર્મચારીઓની રિયલ-ટાઇમ હાજરી જ નોંધાશે નહિ પરંતુ ડ્યુટી રેકોર્ડમાં સંપૂર્ણ પારદર્શિતા અને વિશ્વસનીયતા પણ સુનિશ્ચિત થશે. આથી સાઇન-ઇન અને સાઇન-આઉટ પ્રક્રિયા ઝડપી, સરળ અને સુરક્ષિત બની ગઈ છે.
TTE લોબી એપ્લિકેશન (TTE Lobby Application) ને C-DAC (કેન્દ્રિય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયની વૈજ્ઞાનિક સંસ્થા) ના પોર્ટલ સાથે જોડવામાં આવી છે. આ પદ્ધતિ હાલમાં ભાવનગર, બોટાદ, મહુવા, ગાંધીગ્રામ, પોરબંદર, જૂનાગઢ અને વેરાવળ સ્થિત TTE લોબીમાં સફળતાપૂર્વક કાર્યરત છે. બાયોમેટ્રિક પદ્ધતિ અમલમાં મૂકવાથી કર્મચારીઓની હાજરી પર અસરકારક દેખરેખ રાખી શકાશે અને ડ્યુટી રેકોર્ડમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા અથવા ગડબડ અટકાવી શકાશે. આ પહેલ માત્ર રેલવેના ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ રેલવે મિશનને જ ગતિ આપશે નહિ પરંતુ વહીવટી કાર્યપ્રણાલીમાં પણ નોંધપાત્ર સુધારો લાવવામાં સહાયક સાબિત થશે.
મંડળ રેલ પ્રબંધક – ભાવનગર શ્રી દિનેશ વર્માએ આ તકનીકી પહેલ અમલમાં મુકવા બદલ વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી અને ભાવનગર મંડળના ટિકિટ ચેકિંગ સ્ટાફની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે ભાવનગર મંડળ હંમેશાં ડિજિટલ તકનીકો અપનાવવામાં આગવું રહ્યું છે અને આ બાયોમેટ્રિક સાઇન-ઓન અને સાઇન-ઓફ સિસ્ટમ પણ એક વધુ ડિજિટલ પહેલ છે, જે પદ્ધતિમાં પારદર્શિતા સુનિશ્ચિત કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ