રાજ્યભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છોત્સવ’નો પ્રારંભ,
જાહેર સ્થળો ઉપરાંત પ્રવાસન, ધાર્મિક, ઔદ્યોગિક વિસ્તારો સહિતના સ્થળોએ જનભાગીદારીથી સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરાશે
જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છોત્સવ’નો


ગીર સોમનાથ 15 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ‘સ્વચ્છતા હી સેવા અભિયાન – ૨૦૨૫’ અંતર્ગત રાજ્યભરની સાથે ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથી સ્વચ્છતાને એક ઉત્સવ તરીકે ઉજવવા ‘સ્વચ્છોત્સવ’ અભિયાનનો પ્રારંભ થશે. આ કાર્યક્રમ થકી શહેરી વિસ્તાર થી લઈ ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકો સ્વચ્છતાનો સ્વભાવ કેળવે અને સ્વચ્છતા આગ્રહી બને તે માટે પ્રેરિત કરવામાં આવશે.

‘સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૫’ સંદર્ભે ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી સહિતના અધિકારીઓ જોડાયા હતાં.

આ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્વચ્છતા હી સેવા અભિયાનને જનભાગીદારીથી સાર્થક બનાવવા માટે જિલ્લાના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, નાગરિકો જાગૃત થાય અને હંમેશના માટે સ્વચ્છતાની ટેવ વિકસાવે એ જરૂરી છે. દૈનિક જીવનમાં પણ શ્રમદાનનું ખૂબ જ મહત્વ રહેલું છે. સ્વચ્છતા હી સેવા અભિયાનના માધ્યમથી ટકાઉ અને નિયમિત સ્વચ્છતા પર ભાર મૂકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં તા.૩૧ ઓક્ટોબર સુધી ચાલનારા સ્વચ્છતા ઉત્સવ દરમિયાન જાહેર સ્થળો ઉપરાંત પ્રવાસન, ધાર્મિક, ઔદ્યોગિક વિસ્તારો સહિતના સ્થળોએ જન ભાગીદારીથી સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરાશે.

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, ઈ-વેસ્ટ મેનેજમેન્ટ, ક્લીન ગ્રીન ઉત્સવ, અવેરનેસ કેમ્પેઇન, શ્રમદાન, વેસ્ટમાંથી બેસ્ટ સહિતના રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે.

આ વીડિયો કોન્ફરન્સમાં પ્રાંત અધિકારી કે.આર.પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) ડી.પી.ચૌહાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) અજય શામળા સહિત શિક્ષણ, આરોગ્ય, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી નગરપાલિકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande