સુરત, 2 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરનાં પુણા વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કચરા ગાડીની મનમાનીને પગલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી કચરાની ગાડી દ્વારા સોસાયટીમાં માત્ર રાઉન્ડ મારીને કચરો લીધા વિના જતાં રહેતાં સ્થાનિકો દ્વારા ગત રોજ કચરાની ગાડીનાં ચાલકનો ઘેરાવ કર્યો હતો. ભારે વિરોધ અને હોબાળા વચ્ચે કચરાની ગાડીનાં ચાલકે લોકેશન પર હાજર રહેવા માટે સોસાયટીમાંથી પસાર થતો હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયા પણ પહોંચ્યા હતા. જેઓએ ગાર્બેજ કલેકશનનાં નામે મોટું ભોપાળું ચાલી રહ્યું હોવાના આક્ષેપો કર્યા હતા.
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક મેળવવામાં સફળ રહ્યો છે પરંતુ દિવા તળે અંધારૂ હોય તેમ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનાં ઈજારદારો દ્વારા મહાનગર પાલિકા અને સ્થાનિકોની આંખમાં ધુળ નાંખવાનું કામ કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પુણા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની ગાડી માત્ર આંટા ફેરા મારીને રવાના થઈ જતી હોવાની ફરિયાદો વચ્ચે ગત રોજ સ્થાનિકોએ ગાર્બેજ કલેકશનની ગાડીને અટકાવી દીધી હતી. તિરૂપતિ સોસાયટીમાં વસવાટ કરતાં અંદાજે 10 હજારથી વધુ નાગરિકો ગાર્બેજ કલેકશનની લાલિયાવાડીને લીધે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સ્થિતિમાં ગાર્બેજ કલેકશનનાં ગાડીનાં ચાલકે કચરો લેવાને બદલે માત્ર જીપીએસમાં સોસાયટીનો રાઉન્ડ દર્શાવવા માટે આ વિસ્તારમાં આંટાફેરા મારતો હોવાનું જણાવ્યું હતું. જેને લીધે સ્થાનિકો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો. અલબત્ત, પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાને સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ પણ તિરૂપતિ સોસાયટી ખાતે પહોંચ્યા હતા. તેઓએ ગાર્બેજ કલેકશનનાં ઈજારદાર દ્વારા લોકેશન અને રિઅલ ટાઈમ ડેટા સાથે છેડછાડ કરવામાં આવી રહી હોવાનાં આક્ષેપ સાથે વહીવટી તંત્રને સમગ્ર ઘટનામાં તલસ્પર્શી તપાસ કરવા માટે જણાવ્યું હતું .
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે