પાટણ, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ બી ડિવિઝન પોલીસે સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર કેસમાં કાર્યવાહી શરૂ કરી છે. પાલનપુરના દલવાડા વિસ્તારના નિવાસી નિકુલ બાબુલાલ પટેલ વિરુદ્ધ આ કેસ નોંધાયો છે. આરોપીએ સગીરાને વિદેશ મોકલવાની લાલચ આપી હતી અને તેને હોમટાઉનથી અપહરણ કરીને પાલનપુર લઈ ગયો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નિકુલે સગીરાને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મ દરમિયાન ફોટા પાડ્યા અને તેને વાયરલ કરવાની ધમકી આપી વારંવાર પૈસાની માંગણી કરી હતી. આ રીતે તેણે સગીરાની સાથે 4.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત, આરોપીએ વિઝા બનાવવાના બહાને સગીરાની જાણ વગર મેરેજ સર્ટિફિકેટ પણ તૈયાર કરાવ્યું હતું.
પોલીસે આરોપી નિકુલ સામે IPC કલમ 363 (અપહરણ), 376(2)(એન) (દુષ્કર્મ), 384 (માર્ગથી પૈસા પડાવવાનો ગુનો) તથા પોક્સો એક્ટની કલમ 4, 5(એલ), 6 હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય શક્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ