અમરેલી , 2 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં હાલ મગફળી અને કપાસના પાકો પૂરેપૂરા વિકાસના મહત્વના તબક્કે છે. ખેડૂતો દ્વારા મોટા પાયે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. સારા વરસાદ બાદ પાકોની વૃદ્ધિ સરસ રીતે થઈ રહી છે, પરંતુ વધુ ઉત્પાદન મેળવવા માટે હાલના સમયે દવા અને ખાતરનો યોગ્ય ઉપયોગ અત્યંત જરૂરી બની ગયો છે.
ખેતીવાડી અધિકારી ભાવેશભાઈ પીપળીયાએ જણાવ્યું કે, હાલ મગફળીના પાકમાં સૂઈયા કે દોડવા બેસવાનો સમય ચાલી રહ્યો છે. આ તબક્કે પાકને ખાસ કરીને કેલ્શિયમ અને બોરોનની જરૂરિયાત રહે છે.
બોરોનનું મુખ્ય કામ ફૂલોમાં પરાગનયન સુનિશ્ચિત કરવાનું છે. તે ફૂલ ખરતા અટકાવે છે અને વધુ ફળ બાંધવામાં મદદરૂપ બને છે.
કેલ્શિયમ મગફળીમાં દોડવા (પેગ્સ) બંધાવવા, ફોતરું સારું થવા અને દાણા ભરાવા માટે અત્યંત જરૂરી છે.
હાલ બજારમાં કેલ્શિયમ, બોરોન અને જીંકનું મિશ્રણ ઉપલબ્ધ છે. આ મિશ્રણમાંથી એક પંપમાં 20 મિલી ઉમેરીને છટકાવ કરવામાં આવે તો મગફળીના ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં વધારો થાય છે.
જે ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર આગોતરું કરવામાં આવ્યું હતું, તેમના પાકમાં હાલ દોડવા દાણા ભરાઈ ગયા છે અને આગામી એક મહિનામાં ઉપજ માટે પાક તૈયાર થશે. આવા પાકોમાં 0:0:50 વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે. આ ખાતરનો ઉપયોગ કરવાથી દોડવામાં દાણાનો ભરાવો વધુ સારો થાય છે તેમજ મગફળીનો કલર પણ ઉત્તમ બને છે. આથી બજારમાં પાકને વધુ ભાવ મળે છે.
ભાવેશભાઈ પીપળીયાએ કપાસના પાક માટે પણ ખેડૂતોને અગત્યની સલાહ આપી. તેમનું કહેવું છે કે કપાસના પાકમાં વોટર સોલ્યુબલ ખાતરનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. હાલના વર્ષે સારો વરસાદ પડ્યો છે. જો પાકમાં હજુ સુધી પાળા (બોલ્સ) ન બાંધ્યા હોય તો ખેડૂતોને ગુજરાત ગ્રેટ માઇક્રો નામનું ખાતર છટકાવ કરવું જોઈએ. આ ખાતર પાળા બંધાવવા માટે ઉપયોગી છે.
તડકો વધવાથી કપાસમાં બોરોનની ખામી દેખાય છે. આ ખામી પૂરી કરવા માટે બજારમાં પાવડર સ્વરૂપે બોરોન ઉપલબ્ધ છે. તેનું એક પંપમાં 20% પ્રમાણમાં છટકાવ કરવાથી પાકમાં સારો ફેર આવે છે.
અમરેલી જિલ્લાના ખેડૂતો માટે હાલનો સમય મગફળી અને કપાસ બંને પાકોની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે. યોગ્ય સમયે યોગ્ય દવા-ખાતરનો ઉપયોગ કરવાથી પાકમાં માત્ર ઉપજ જ નહીં પરંતુ ગુણવત્તા પણ ઉત્તમ મળે છે. મગફળીમાં કેલ્શિયમ, બોરોન, જીંક તેમજ કપાસમાં વોટર સોલ્યુબલ ખાતર અને બોરોનના યોગ્ય છટકાવથી ખેડૂતોને મબલક ઉત્પાદન સાથે નફાકારક ખેતી શક્ય બની રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai