પાટણ, 21 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણમાં નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને કાલથી શક્તિની ઉપાસનાનું પર્વ ધુમધામથી શરૂ થશે. પહેલા નોરતે ઘટસ્થાપના તેમજ ચાચરચોકમાં માંડવી સ્થાપન થશે. શહેરના વિવિધ મેદાનોમાં ગરબાના કાર્યક્રમો યોજાયા છે જેમ કે પાંજરાપોળ મેદાનમાં રોટરેક્ટ કલબ દ્વારા 'રણકાર ગરબા 2025', ખોડાભા હોલમાં જીવદયા પરિવારનું 'હેરિટેજ ગરબા 2025', માધવ ફાર્મ ખાતે 'બોલિવૂડ ધમાલ' અને હિંગળાચાચર ચોકમાં મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા બાધા-માનતાના ગરબાનું આયોજન થયું છે.
સુરક્ષાની દૃષ્ટિએ તમામ મેદાનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને ખેલૈયાઓની સલામતી માટે સિક્યુરિટી, બોડીગાર્ડ તથા એમ્બ્યુલન્સની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી છે. પ્રથમ નોરતે રાત્રે 9થી 10 વચ્ચે ઓર્કેસ્ટ્રાના તાલે આરતી સાથે નવરાત્રિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થશે. શહેરના જુદા-જુદા વિસ્તારો જેવી કે ઝીણીપોળ, ગુર્જરવાડા, માતાનો પાડો, નગરલીબડી અને રામેશ્વર મંદિર વિસ્તારમાં પણ ગરબાની રમઝટ જામશે.
શહેરની અનેક સોસાયટીઓ જેમ કે તિરૂપતિ ટાઉનશીપ, જીવનધારા, યશ હેરિટેજ, સાંઈબાબાનગર, શ્રીરામ પાર્ક, પાયલપાર્ક, ચિત્રકુટ, શૈલજા બંગ્લોઝ, ગોકુળનગર, પલ્લવી સોસાયટી સહિત અનેક જગ્યાએ ગરબાનું આયોજન થયું છે. શહેરમાં સોસાયટી વિસ્તાર વધતા મોટા પાયે ગરબા રમાઈ રહ્યા છે, જો કે મોટાભાગની સોસાયટીઓ દ્વારા પોલીસ પાસેથી પરમિશન લેવામાં આવતી નથી, તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ