જૂનાગઢ, 21 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ બહાઉદીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને એન.એસ.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા ટેસ્ટ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘાટન સમારંભથી થઈ હતી. ઉદ્ઘાટન પ્રસંગે તત્વજ્ઞાન વિભાગના વડા તથા કોલેજના આચાર્યશ્રીની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. વક્તવ્યમાં તત્વજ્ઞાન વિભાગના વડા ડૉ.બારસિયાએ થેલેસેમિયા ટેસ્ટ કરાવવાનું મહત્વ સમજાવ્યું હતુ. તેમજ વિદ્યાર્થીઓને જીવનમાં અનુશાસનના મૂલ્યો વિષે પણ માર્ગદર્શન આપ્યું.
આ કાર્યક્રમના અધ્યક્ષ પ્રિન્સિપાલ ડૉ. જે. આર.વાઝાએ પોતાના વક્તવ્યમાં રુધિરમાં હિયોગ્લોબીનનું મહત્વ સમજાવ્યું અને ઉમેર્યું કે જો થેલેસેમિયા ટેસ્ટ માઇનોર આવે તો ગભરાવાની જરૂર નથી. તેમણે ખાસ કરીને જણાવ્યું કે લગ્ન સમયે માત્ર કુંડળી મેળવવી પૂરતી નથી, સાથે સાથે થેલેસેમિયા રિપોર્ટ મેળવવો પણ અત્યંત આવશ્યક છે.
આ કેમ્પમાં કોલેજના પ્રથમ વર્ષના કુલ ૨૫૭ વિદ્યાર્થીઓએ સફળતા પૂર્વક ચેકઅપ કરાવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર તથા થેલેસેમિયા ટેસ્ટ ચેકઅપ કમિટીના પ્રા. ભાવિક ચાવડા, ડો. એમ આર કુરેશી, અંગ્રેજી વિભાગના વડા ડૉ. દીપિકા કેવલાણી, સમાજશાસ્ત્ર વિભાગના ડૉ. ચંદ્રકાંત વણકર, ડૉ. મેઘરાજસિંહ જાડેજા, એન.સી.સી. તથા હિન્દી વિભાગના ડૉ. રાજીવ ડાંગર, તત્વજ્ઞાન વિભાગના ડૉ. જીગ્નેશ કાવ્યા તેમજ ડૉ. રતિલાલ કાલરીયાનો વિશેષ સહકાર મળ્યો હતો.
૦૦૦૦
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ