પાટણ, 21 સપ્ટેમ્બર (હિ.સ.)પ્રાંતિજની એક્સપરિમેન્ટલ સાયન્સ કોલેજમાં એમએસસી સેમેસ્ટર 4ની પરીક્ષા દરમિયાન મોટા સ્તરે કોપી કેસ સામે આવ્યો છે. વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન અને પુસ્તકોના ઉપયોગથી જવાબો લખતા હોવાનું એક વીડિયો વાયરલ થયો હતો. આ બાબતને લઈને વિદ્યાર્થી નેતાએ યુનિવર્સિટીમાં વીડિયો સાથે ફરિયાદ નોંધાવી હતી.
વિડીયો બાદ યુનિવર્સિટીએ તાત્કાલિક કમિટી બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસના આધારે પરીક્ષા શુદ્ધિ સમિતિએ કડક પગલાં લીધા છે. સેન્ટરના તમામ 182 વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવામાં આવી છે. દરેક વિદ્યાર્થી પર એક વર્ષનો પરીક્ષા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ દરેકને રૂ. 10,000નો દંડ ફટકારાયો છે, જે મળીને કુલ રૂ. 18 લાખ થાય છે.
પરીક્ષા નિયામકે જણાવ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે કોપી કેસમાં દંડકીય સજા અમલમાં મુકાઈ છે. તમામ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસની કેશ બારીમાં દંડ ભરવાનો રહેશે. દંડ ભરવા માટે એક મહીનાનો સમય આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીએ હોલ ટિકિટ અને ઓળખપત્ર સાથે ફોર્મ ભરીને પરીક્ષા વિભાગમાં જમા કરાવવાનું રહેશે. જો દંડ ન ભરાય તો પરીક્ષા પ્રતિબંધ પૂર્ણ થયા પછી પણ તેઓને આગામી પરીક્ષા આપવા દેવામાં નહીં આવે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ