મસાલી રોડ પર મહિલાના મૃત્યુમાં CCTV દ્વારા નવા ખુલાસા, રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો
પાટણ, 21 સપ્ટેમ્બર (હિ.સ.)રાધનપુર-ભાભર હાઈવે પર મસાલી રોડ નજીક 17 સપ્ટેમ્બરે સરસ્વતી સોસાયટીના નર્મદાબેન પ્રજાપતિના મૃત્યુના કેસમાં નવો વળાંક આવ્યો છે. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તેમનું મોત હાઇવે પરની ખુલ્લી ગટરમાં પડી જવાથી થયું છે. પરંતુ
મસાલી રોડ પર મહિલાના મૃત્યુમાં CCTV દ્વારા નવા ખુલાસા, રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો


પાટણ, 21 સપ્ટેમ્બર (હિ.સ.)રાધનપુર-ભાભર હાઈવે પર મસાલી રોડ નજીક 17 સપ્ટેમ્બરે સરસ્વતી સોસાયટીના નર્મદાબેન પ્રજાપતિના મૃત્યુના કેસમાં નવો વળાંક આવ્યો છે. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તેમનું મોત હાઇવે પરની ખુલ્લી ગટરમાં પડી જવાથી થયું છે. પરંતુ સીસીટીવી ફૂટેજની તપાસ બાદ આ દાવો ખોટો સાબિત થયો છે.

ફૂટેજમાં જોવા મળે છે કે સાંજે 7:19 વાગ્યે નર્મદાબેન ગાયત્રી મંદિરથી મસાલી તરફના રોડ પર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે મસાલી તરફથી આવતી રીક્ષાએ તેમને ટક્કર મારી હતી. રીક્ષાચાલક દિલીપભાઈ લોટિયા (રહે. રાધનપુર) તેમને તરત જ રાધનપુરની રેફરલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેમણે નર્મદાબેનના પુત્ર ચેતનભાઈને ખોટી માહિતી આપી કે તેમની માતા ગટરમાં પડી ગયા હતા અને તેમને બચાવીને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

નર્મદાબેનને વધુ સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. માર્ગ અને મકાન વિભાગના સીસીટીવી ફૂટેજના આધારે સાચું ઘટના ઘટસ્ફોટ થયું છે. ચેતનભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે પોલીસ દ્વારા રીક્ષાચાલક વિરુદ્ધ અકસ્માતમાં મોત નિપજાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande