પાટણ, 21 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજી મંદિરમાં શારદીય નવરાત્રિનું આયોજન 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી કરવામાં આવ્યું છે. દરરોજ સવારે પંચામૃત અને વિવિધ દ્રવ્યોથી વેદમંત્રોચ્ચાર સાથે માતાજીનો અભિષેક કરવામાં આવશે. માતાજી દરરોજ નવી સાડી ધારણ કરશે અને વિવિધ વાહનો પર સવારી કરશે. સોના, હીરા અને જરીના મુગુટ, હાંસડી અને કુંડળથી ભવ્ય શૃંગાર થશે. તાજા અને રંગબેરંગી રેશમી ફૂલોથી નવી આંગી સજાવવામાં આવશે.
સવારની આરતી 10:10 વાગે અને સાંજની આરતી 7:15 વાગે થશે, જ્યારે દર્શન રાત્રે 9:30 સુધી ખુલ્લું રહેશે. સાંજે 7:45 વાગે સ્તુતિ-પ્રાર્થના અને આનંદનો ગરબો યોજાશે. પ્રથમ દિવસે સવારે 10 વાગે જવારા વાવવાની અને ઘટસ્થાપન વિધિ થશે. 30 સપ્ટેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી લક્ષ્મી હોમ યોજાશે, જેમાં દર્શકભાઈ ત્રિવેદી પરિવાર યજમાન રહેશે.
દુર્ગાષ્ટમીએ સાંજે 5 વાગે માતાજીની પાલખી યાત્રા નીકળશે અને 6:30 વાગે મહાલક્ષ્મી મંદિરે પૂજન-અર્ચન થશે. રાત્રે 10 વાગે વ્યાસ પરિવારના યજમાનપદે લક્ષ્મી હોમ શરૂ થશે. મધ્યરાત્રે 12:30 વાગે સંધિપૂજા થશે અને માતાજીને વિવિધ વ્યંજનોનો નૈવેદ્ય ધરાવાશે. દર્શન મધ્યરાત્રે 3 વાગ્યા સુધી રહેશે. દશેરાના દિવસે બપોરે 12 વાગે જવારાની ઉથાપન વિધિ સાથે નવરાત્રિ મહોત્સવનો સમાપન થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ