જામનગર, 22 સપ્ટેમ્બર (હિ.સ.) : લોકોના આરોગ્ય અને સુખાકારીમાં સુધારો લાવવા, રોજિંદા આહારમાં કોદરા, જુવાર, બાજરી, રાગી વગેરે જેવા મિલેટ્સનો ઉપયોગ વધારવા અને આંગણવાડી કેન્દ્રોમાં અપાતા પોષણયુક્ત આહાર વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી લાલપુર આઇસીડીએસ ઘટક દ્વારા પોષણ ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત એક અનોખી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વાનગી સ્પર્ધામાં સેજા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ કુલ ૩૬ બહેનોએ ભાગ લીધો હતો. તેમણે માતૃશક્તિ, બાલ શક્તિ અને પૂર્ણા શક્તિમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવીને આકર્ષક સજાવટ સાથે પ્રસ્તુત કરી હતી અને તેના ફાયદા સમજાવ્યા હતા.
વાનગી સ્પર્ધા ઉપરાંત આ કાર્યક્રમમાં પોષણ શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 'પોષણ રમત' અને 'સેલ્ફ પોર્ટ્રેટ દોરવા' જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેના દ્વારા બાળકો અને લાભાર્થીઓને પોષણનું મહત્વ સરળતાથી સમજાવવામાં આવ્યું હતું. આ રમતોમાં ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt