મા ખોડલના જય જયકાર સાથે પદયાત્રાની શરૂઆત કરાય
પ્રથમ નોરતે પદયાત્રા, ધ્વજારોહણ, યજ્ઞ અને ધર્મસભા યોજાય હતી
21 જાન્યુઆરી 2027ના રોજ શ્રી ખોડલધામ મંદિરનો ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવાશે નરેશ પટેલ
માઁ ખોડલની પદયાત્રામાં ભરૂચ જિલ્લાના માઈ ભક્તો પણ જોડાયા હતા
ભરૂચ 22 સપ્ટેમ્બર (હિ.સ.)
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે 22 સપ્ટેમ્બરના રોજ કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પ્રથમ નોરતે પદયાત્રા, મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ થકી માઁ ખોડલના વધામણા કરી નવરાત્રિનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ પદયાત્રા પૂર્ણ થયે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર ધાર્મિક પ્રસંગે ભરૂચ જિલ્લાના ભક્તો પણ જોડાયા હતા.
પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. કાગવડ ગામે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરી માઁ ખોડલની આરતી કર્યા બાદ નરેશ પટેલે કાગવડ ગામ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાગવડ ગામથી 9 વાગ્યે પદયાત્રાની શરૂઆત થઈ હતી. પદયાત્રામાં માઁ ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં મા ખોડલના જય જયકાર સાથે ભક્તો કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પહોચતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિક ભક્તોએ આશીર્વાદ લીધા હતા.માઁ ખોડિયારના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.સર્વે ભક્તોની ઉન્નતિ અને દેશની પ્રગતિ તેમજ શાંતિ માટે યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. પદયાત્રા પૂર્ણ થયા બાદ વિશાળ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મ સભામાં ખોડલધામ જિલ્લા સમિતિ- અમરેલી દ્વારા નરેશ પટેલને પાઘડી પહેરાવીને સન્માનિત કરાયા હતા. સાથે જ આ પ્રસંગે ઉપસ્થિત સર્વે રાજકીય-સામાજિક આગેવાનોનું ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ધર્મસભામાં નરેશ પટેલે પોતાના સંબોધનમાં સૌને નવલા નોરતાની શુભકામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે માતૃશક્તિનો આ પર્વ આજથી શરૂ થઈ રહ્યો છે ત્યારે ખોડલધામના સંગઠન અને એકતામાં મહિલાઓનો ફાળો સૌથી વધુ છે. માતાઓ ખોડલધામના કોઈપણ કાર્યક્રમમાં હંમેશા ખડેપગે હોય છે. ત્યારે માતાઓના આવા જ આશીર્વાદ હંમેશા વરસતા રહે તેવી આજના આ પાવન દિવસે પ્રાર્થના કરું છું.આજે એક મહત્વની જાહેરાત કરું છું આગામી તારીખ 21 જાન્યુઆરી 2027ના રોજ શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 21 જાન્યુઆરી 2027ના રોજ શ્રી ખોડલધામ મંદિરે ભવ્યાતિભવ્ય દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં 1008 કુંડી યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, શ્રી ખોડલધામના સંગઠનના માધ્યમથી આપણે સમાજના દરેક વ્યક્તિને મદદરૂપ થઈએ. આગામી દિવસોમાં આ સંગઠન થકી ઘણા કાર્યો આપણે પૂરા કરવાના છીએ.
ધારાસભ્ય મહેશભાઈ કશવાલાએ જણાવ્યું હતું કે, સમાજની એકતાનો પેઢીઓ દર પેઢીઓનો વિચાર નરેશ પટેલે ખોડલધામનું નિર્માણ કરીને મૂર્તિમંત કર્યો છે. આ આપણા સમાજની શક્તિ છે. ત્યારે આ ભાવ હંમેશા જાળવી રાખીએ.
આ ધર્મસભામાં ઉપસ્થિત ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આ વિશ્વમાં સૌથી મોટી શક્તિ હોય તો માતાજીની ભક્તિ છે અને ત્યારપછી સમાજની એકતાની શક્તિ છે. આ બંને શક્તિને નરેશ પટેલે ઓળખી છે અને ઘણાને પ્રેરણા મળી છે. ખોડલધામનું સંગઠન હરહંમેશ કોઈપણ આપત્તિમાં લોકોની પડખે રહીને કામ કરે છે.
આ પદયાત્રામા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ,રાજકીય-સામાજિક આગેવાનો, ખોડલધામના ઝોન, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરો, મહિલા સમિતિ, યુવા સમિતિ, મીડિયા સમિતિ, લિગલ સમિતિ, શિક્ષણ પાંખ, નવરાત્રિ મહોત્સવની ટીમના સભ્યો, અન્ય વિવિધ સમિતિઓ, રાજકોટના તમામ સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, અટકથી ચાલતા લેઉવા પટેલ સમાજના પરિવારના સભ્યો, સમાજની સંસ્થાઓના સભ્યો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ