પાટણ, 22 સપ્ટેમ્બર (હિ.સ.): નવરાત્રીના પાવન પ્રસંગે શ્રી સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા પાટણમાં નિર્માણ થનાર કન્યા છાત્રાલય માટે શિક્ષણ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ઠાકોર સમાજના આગેવાનોએ રિબિન કાપી રથને વિદાય આપી હતી.
આ પ્રસંગે ઠાકોર સમાજના અગ્રણીઓ નવધણજી ઠાકોર, મંગાજી ઠાકોર, ચંદનજી ઠાકોર, નંદાજી ઠાકોર, વિનયસિંહ ઝાલા, ડૉ. મનોજ ઠાકોર, બાબુજી ઠાકોર અને ઉમેદસિંહ સહિત અનેક દાતાઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સૌને શ્રી સદારામ બાપુનો ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા. વિનયસિંહ ઝાલા અને નવધણજી ઠાકોરે આ શિક્ષણાત્મક પહેલને બિરદાવી હતી અને ઠાકોર સમાજની દીકરીઓને ગ્રેજ્યુએશન સુધી ફરજિયાત અભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો. બનાવવામાં આવનાર આ છાત્રાલયમાં ઠાકોર સમાજની દીકરીઓ સાથે 25% અન્ય સમાજની દીકરીઓને પણ પ્રવેશ આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ