સુરત, 22 સપ્ટેમ્બર (હિ.સ.)- વિશ્વભરમાં કૃષ્ણભક્તિનો દીપ પ્રગટાવનાર જગતગુરૂ શ્રીલ પ્રભુપાદજીની દિવ્ય પ્રેરણાથી સુરતના કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. ગૃહ મંત્રીએ ભૂમિપૂજન સ્થળે યજ્ઞમાં આહૂતિ પણ આપી હતી.
એન્થમ સર્કલ, આઇકોનિક રોડ, રિંગ રોડ કેનાલ, કોસમાડા ખાતે 3.51 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ ઈસ્કોન મંદિર પામશે. આ વેળાએ દાતાઓ-શ્રેષ્ઠીઓને ગૃહ મંત્રી તેમજ ઈસ્કોન વરાછા મંદિરના પ્રેસિડેન્ટ મૂર્તિમાન દાસજીએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા.
નોંધનીય છે કે, જગતગુરૂ શ્રીલ પ્રભુપાદએ વર્ષ 1966માં ન્યુયોર્કમાં ISKCON- 'ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ઈસ્કોન)' ની સ્થાપના કરી અને દશકમાં જ ઈસ્કોન 100થી વધુ દેશોમાં ફેલાયું અને 108 મંદિરો, ફાર્મ કોમ્યુનિટી, શાળાાઓ અને સાંસ્કૃતિક કેન્દ્રો ઊભા કર્યા, જ્યાંથી વિશ્વભરના લોકો આધ્યાત્મિકતા અને સમુદાય જીવન સાથે જોડાયા.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ મુકેશભાઈ દલાલ, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ઈસ્કોન વરાછા મંદિર તથા ઈસ્કોન વરાછા ભકતવૃંદના પ્રેસિડેન્ટ મૂર્તિમાન દાસ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંઘ, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, ગુરુપ્રસાદ સ્વામી મહારાજ, લોકનાથ મહારાજ, સમાજસેવી મહેશભાઈ સવાણી, અગ્રણી લવજીભાઈ ડાલિયા, ઉદ્યોગપતિ મુકેશ પટેલ, અને શ્રીકૃષ્ણ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે