નવસારી, 22 સપ્ટેમ્બર (હિ.સ.)-નવસારી તાલુકામાં આયોજિત ઘટક કક્ષાના પોષણ ઉત્સવ-2025ની ઉજવણી તલુકા પંચાયત નવસારીના સભાખંડ ખાતે યોજાઈ. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રજ્વલનથી કરવામાં આવી અને સ્વાગત પ્રવચન સીડીપીઓ દ્વારા કરાયું. આ પ્રસંગે THR (ટેક હોમ રાશન) અને મિલેટ્સમાંથી બનાવેલ વિવિધ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉદ્દેશ એવું હતું કે લોકોને THR અને મિલેટ્સના ઉપયોગ વિશે જાગૃત કરવું અને સુપોષિત ગુજરાતની પ્રતિષ્ઠા માટે લોકોએ વધુમાં વધુ પોષણયુક્ત આહાર અપનાવવો. વાનગી સ્પર્ધામાં કાર્યકરો તેમજ લાભાર્થીઓએ ભાગ લીધો અને THR અને મિલેટ્સમાંથી બનાવેલી સ્વાદિષ્ટ અને પોષણથી ભરેલી શ્રેષ્ઠ વાનગીઓને અલગ-અલગ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી વિજેતાઓને પ્રમાણપત્ર અને પુષ્પગુચ્છથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકાના સભ્યશ્રી, વિસ્તરણ અધિકારી, જિલ્લા ન્યુટ્રીશન કો-ઓર્ડિનેટર, અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય સ્ટાફ, નવસારી ઘટકના સી.ડી.પી.ઓ. તેમજ ઘટકના તમામ સ્ટાફ અને આંગણવાડી કાર્યકરો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત અધિકારીઓ અને લાભાર્થીઓ દ્વારા પોષણ શપથ લેવામાં આવ્યું અને આભાર વિધિ મુખ્ય સેવિકા દ્વારા પૂર્ણ કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે