પાટણ, 22 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાના વોર્ડ નં. 4ના સરદાર કોમ્પલેક્સમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટરની સમસ્યા વકરી છે. વારંવાર ગટર ઉભરાવાના કારણે નાગરિકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વિસ્તારમાં સ્ટેટ બેંક, દવાખાનાઓ અને અનેક દુકાનો આવેલી છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. છતાં, નગરપાલિકા દ્વારા કરવામાં આવતું સમારકામ માત્ર પાંચ દિવસ સુધી જ અસરકારક સાબિત થાય છે અને બાદમાં ફરીથી ગટર ઉભરાવા લાગે છે.
સ્થાનિક વેપારીઓએ અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ કાયમી ઉકેલ નહી આવતા અસંતોષ વધી રહ્યો છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે પાલિકાની ધીમી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ