બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ લાખોના ખર્ચે થતી મણકાની ગાંઠની સારવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક થઈ
જામનગર, 22 સપ્ટેમ્બર (હિ.સ.) : ​જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા રમેશભાઈ પરમારના ઘરે ૩ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ એક દીકરાનો જન્મ થયો. પરિવારે ખુશીથી તેનું નામ ખુશાલ પાડ્યું. જોકે, આ ખુશી લાંબો સમય ટકી નહીં કારણ કે બા
બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ


જામનગર, 22 સપ્ટેમ્બર (હિ.સ.) : ​જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા રમેશભાઈ પરમારના ઘરે ૩ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ એક દીકરાનો જન્મ થયો. પરિવારે ખુશીથી તેનું નામ ખુશાલ પાડ્યું. જોકે, આ ખુશી લાંબો સમય ટકી નહીં કારણ કે બાળકને જન્મજાત ખોડ-ખાંપણ હોવાનું નિદાન થયું જેના કારણે આખો પરિવાર દુઃખી અને નિરાશ થઈ ગયો.

​આ જ સમયે આ વિસ્તારમાં ફરજ બજાવતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની ટીમે ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ખુશાલ અને તેના પરિવારની મુલાકાત લીધી. ટીમે તેમને બાળકની જન્મજાત ખામી વિશે સમજાવ્યું અને આશ્વાસન આપ્યું કે સરકાર તરફથી તેની જરૂરી તપાસ અને સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

​જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને લાલપુરના તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારે આ કેસ પર વિશેષ ધ્યાન આપ્યું. RBSK ટીમે બાળકની સઘન તપાસ કરી અને જાણવા મળ્યું કે તેની કમરના મણકાના ભાગે ગાંઠ હતી, જેને તબીબી ભાષામાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ કહેવાય છે. ​RBSK ટીમના ડો. કાજલ ગોજીયા અને એફ.એચ.ડબલ્યુ ધર્મિષ્ઠાબેન રાવલીયાએ ખુશાલનું સંદર્ભ કાર્ડ ભરીને તેને પહેલા જી.જી. હોસ્પિટલ અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યો. પરિવારે શરૂઆતમાં સંકોચ અનુભવ્યો, પરંતુ RBSK ટીમના સમજાવટ બાદ તેઓ તૈયાર થયા.

​ખુશાલને ૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ૧૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ નિષ્ણાત ડોકટરોની ટીમે ખૂબ જ કુશળતાપૂર્વક મણકાની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું. ૨૪ એપ્રિલ, ૨૦૨૫ના રોજ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો. ઓપરેશન બાદ RBSK ટીમ દ્વારા ખુશાલની ગૃહ મુલાકાત પણ કરવામાં આવી અને તેની તબિયત એકદમ સારી હોવાનું જાણવા મળ્યું.

​ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશનનો અંદાજિત ખર્ચ ૫ થી ૭ લાખ જેટલો થાત. પરંતુ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આ સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે કરવામાં આવી. આનાથી ખુશાલના પરિવારમાં ફરીથી ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. પરિવારે રાજ્ય સરકાર, આરોગ્ય તંત્ર અને લાલપુર તાલુકાની RBSK ટીમના આ પ્રયાસો માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande