વલસાડ , 22 સપ્ટેમ્બર (હિ.સ.)-અંગ્રેજી કહેવત છે કે, ‘‘Prevention is better than cure’’ એટલે કે ‘‘ઉપચાર કરતાં નિવારણ વધુ મહત્વનું છે‘‘ મહર્ષિ ચરક આ સિદ્ધાંતના હિમાયતી હતા. આ વિધાન આચાર્ય ચરકને સમર્પિત છે. એક ચિકિત્સક દર્દીના શરીરની અંદર પોતાના જ્ઞાનના દીવડા વડે ઊંડો ઉતરી રોગનું મૂળ કારણ શોધે છે ત્યારબાદ સારવાર કરે છે. અત્યાર સુધી રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ આયુર્વેદના દેવતા ધન્વંતરીની જયંતિના દિવસે ધનતેરસે ઉજવાતો હતો પરંતુ ભારત સરકારના આયુષ મંત્રાલયે આ દિવસમાં લોકોની ભાગીદારી વધારવા માટે તા. 23 સપ્ટેમ્બરના રોજ હવેથી રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવવાનું નક્કી કર્યુ છે. આજે તા. 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસની ઠેર ઠેર ઉજવણી થશે ત્યારે વલસાડ જિલ્લાના લોકો પણ પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ આયુર્વેદ તરફ વળી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 588870 લોકોએ આયુર્વેદ ચિકિત્સાનો લાભ લઈ સ્વસ્થ જીવનનો સંદેશ આપી રહ્યા છે.
આયુર્વેદ એ માત્ર પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ જ નથી પરંતુ સ્વસ્થ જીવન કેવી રીતે જીવવું તેની સમજ આપતી પધ્ધતિ છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા હવે સરકારી આયુર્વેદિક દવાખાના અને હોસ્પિટલોને આધુનિક બનાવવામાં આવી છે. આ સિવાય આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે ગામે ગામે જનજાગૃતિ કાર્યક્રમો અને નિદાન કેમ્પોનું પણ આયોજન થઈ રહ્યું છે. આયુર્વેદની સારવારથી કોઈ આડઅસર થતી ન હોવાથી લોકો હવે લોકો આયુર્વેદ ચિકિત્સાને પ્રાથમિકતા આપી રહ્યા છે. આયુર્વેદથી બીમારી પણ કાયમી રીતે મૂળમાંથી નીકળી જતા લાંબે ગાળે દર્દીને રાહત થતી હોય છે. જેના અનેક સફળ કિસ્સાઓ લોકો સુધી પહોંચાડવામાં સરકાર સફળ રહેતા આજે ઘરે ઘરે લોકો આયુર્વેદ પધ્ધતિ અપનાવી રહ્યા છે.
વાત કરીએ વલસાડના તિથલ રોડ ઉપર સ્થિત સરકારી આયુર્વેદ હોસ્પિટલની તો આ હોસ્પિટલ અનેક દર્દીઓ માટે આશાનું કિરણ સમાન છે. જે અંગે હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. સુમિત પટેલ કહે છે કે, અહીં સંધીવાત, સાયટીકા, ચામડીના રોગો, ડાયાબીટીસ, પેટની તકલીફ વગેરે રોગોની આયુર્વેદ પંચકર્મ પધ્ધતિથી સારવાર કરવામાં છે. જે અંગે તમને જાણીને આશ્ચર્ય થશે કે, પંચકર્મ દ્વારા ગર્ભસંસ્કારથી ઉત્તમ બાળકની પ્રાપ્તિ માટે પણ સારવાર કરવામાં છે. પંચકર્મમાં વિરેચન, જાનુબસ્તી, અગ્નિકર્મ, કટીબસ્તી, જલોકાદ્વારા, રક્તમોક્ષણ અને શિરોધારા જેવી વિવિધ સારવાર પણ કરવામાં છે. સવારે યોગાના સેસનના પણ યોજાય છે. રોજના 80 થી 90 લાભાર્થી લાભે લે છે. જેનો છેલ્લા 2 વર્ષમાં 61731 જેટલા દર્દીઓએ લાભ લીધો છે. પંચકર્મની સારવારના વર્ષના 22258 જેટલા લાભાર્થીઓ થાય છે. સાથે હોમિયોપેથીક ચિકિત્સાનો રોજના સરેરાશ 35 થી 40 જેટલા દર્દીઓ લાભ લે છે.
જિલ્લા આયુર્વેદ અધિકારી ઉર્વીબેન પટેલ જણાવે છે કે, રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ એ આયુર્વેદને પુરાવા આધારિત અને સર્વાંગી દવા તરીકે પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ઉજવાતો એક ઉત્સવ છે.આ દિવસ આયુર્વેદ સિદ્વાંતો, ઔષધિય વનસ્પતિ અને જીવનશૈલી પ્રથાઓ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરે છે, જેનો ઉદેશ્ય વૈશ્વિક આરોગ્ય સંભાળમાં આયુર્વેદને એકીકૃત અને બધા માટે સર્વાંગી સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે. આયુર્વેદ એ જીવન જીવવાની કળા શીખવે છે, જે શરીર,મન અને આત્માના સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે રોગોને રોકવા અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે એક સંકલિત અભિગમ પ્રદાન કરે છે, જેમાં આહાર, જીવનશૈલી (દિનચર્યા અને ઋતુચર્યા), ઔષધિ અને પંચકર્મ જેવી શરીર શુદ્વિકરણ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. આયુર્વેદ વ્યક્તિની પ્રકૃતિ અને દોષો-વાત, પિત અને કફ ને સમજી વ્યક્તિગત ઉપચાર પ્રદાન કરે છે, જે લાંબા અને સ્વસ્થ જીવન માટે માર્ગદર્શન પૂરુ પાડે છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સરકારી આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર ડો.હેમિલ પટેલે જણાવ્યું કે, વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ ઉર્વીબેન સી.પટેલ અને વૈદ્ય મનહરભાઈ ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ 19 આયુર્વેદ દવાખાના, 8 હોમિયોપેથી દવાખાના અને તિથલ રોડ પર સ્થિત આયુર્વેદ હોસ્પિટલ દ્વારા લોકોની બિમારીનો આયુર્વેદિક ઉપચાર અને આયુર્વેદ પ્રત્યે લોકોમાં જનજાગૃતિ લાવવા સરાહનીય કામગીરી કરવામાં આવે છે. છેલ્લા 5 વર્ષ માં 588870 જેટલા દર્દીઓએ આયુર્વેદ ચિકિત્સાનો લાભ લીધો છે. આ ઉપરાંત શાળા આરોગ્યમાં 177815 લાભાર્થી, આંગણવાડી તપાસમાં 76974 લાભાર્થી, આયુષ પ્રચાર પરિસંવાદમાં 239853 લાભાર્થી, અમૃતપેયમાં 501675 લાભાર્થી, કુલ 897 કેમ્પનાં 90132 લાભાર્થી, યોગ સેશનમાં 247224 લાભાર્થી અને પોષણ માસમાં 29984 લાભાર્થીએ લાભ લીધો હતો. વખતો-વખત આયુષ મેગા કેમ્પ અને વિવિધ આયુષ મેળાનું આયોજન પણ કરવામાં આવે છે.
આમ, આયુર્વેદ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સારવાર પધ્ધતિ છે. આ વર્ષની થીમ આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ છે. જે વૈશ્વિક સુખાકારી અને સ્વસ્થ પૃથ્વી માટે આયુર્વેદની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ કરવાના સામૂહિક સંકલ્પને પ્રતિબિંબત કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે