પટણા, નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ફારબીસગંજમાં કોશી, પૂર્ણિયા અને ભાગલપુર પ્રદેશોના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કાર્યકરો સાથે વાતચીત કરી. વાતચીત દરમિયાન, તેમણે વિપક્ષની આકરી ટીકા કરી અને એકતાની અપીલ કરી.
ભાજપના કાર્યકરોને સંબોધતા, અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, આ ચૂંટણી રાહુલ ગાંધી અને લાલુ યાદવ માટે સત્તા મેળવવાનું સાધન હોઈ શકે છે, પરંતુ ભાજપ માટે, તે બિહારને ઘુસણખોરોથી મુક્ત કરવા અને પૂર સંકટનો કાયમી ઉકેલ પૂરો પાડવા વિશે છે. જો બિહારના લોકો એનડીએ ને બે તૃતીયાંશ બહુમતી આપે છે, તો ભાજપ રાજ્યમાંથી દરેક ઘુસણખોરને વીણી-વીણીને બહાર કાઢશે.
ગૃહમંત્રી અમિત શાહે, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) પર નિશાન સાધતા કહ્યું કે, લાલુ અને કંપનીએ બિહારને લૂંટ્યું, કૌભાંડો કર્યા અને હવે ઘુસણખોરોને મતદાનનો અધિકાર આપવાનું કાવતરું ઘડી રહ્યા છે.
તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા 11 વર્ષોમાં ભ્રષ્ટાચારમુક્ત અને પારદર્શક શાસન પૂરું પાડ્યું છે. વિપક્ષ ભ્રષ્ટાચારનો એક પણ આરોપ લગાવવામાં નિષ્ફળ ગયો છે. રાહુલ ગાંધીની યાત્રાઓ અંગે તેમણે કહ્યું કે, તેમનો ધ્યેય ઘુસણખોરોને મતદાર યાદીમાંથી બચાવવાનો છે, જ્યારે ભાજપનો સંકલ્પ તેમને બહાર કાઢવાનો છે.
વડા પ્રધાન મોદીની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ સમજાવ્યું કે, બિહારમાં માખાના બોર્ડની સ્થાપના, ભાગલપુરમાં 2400 મેગાવોટનો પાવર પ્લાન્ટ, પૂર્ણિયા એરપોર્ટ અને કોશી લિંક પ્રોજેક્ટ જેવા પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે. પૂરની સમસ્યા હવે સિંચાઈની તકમાં પરિવર્તિત થશે.
જાહેર સભામાં ચાર દિવાળીના તહેવારોનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, બિહારના લોકો પહેલી દિવાળી રામ મંદિરના નિર્માણ સાથે, બીજી દિવાળી મોદી સરકાર દ્વારા જીવિકા દીદીને આપવામાં આવેલી નાણાકીય સહાય સાથે, ત્રીજી દિવાળી જીએસટી રાહત સાથે અને ચોથી દિવાળી આગામી ચૂંટણીઓમાં એનડીએ ની જીત સાથે ઉજવશે.
આ કાર્યક્રમમાં શાહે, એ વાત પર પણ ભાર મૂક્યો કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઉજ્જવલા યોજના, શૌચાલય નિર્માણ, માતૃ વંદના યોજના, પેન્શન યોજનાઓ, ખેડૂત આવક સહાય અને મંદિર નિર્માણ જેવી પહેલો સંયુક્ત રીતે અમલમાં મૂકી છે. તેમણે અપીલ કરી કે, બિહારના લોકો આ દિવાળીએ સ્વદેશી પ્રતિજ્ઞા લે અને ફક્ત સ્વદેશી ઉત્પાદનો જ ખરીદે.
હિન્દુસ્થાન સમાચાર / સુરભિત દત્ત / ગોવિંદ ચૌધરી / મોહમ્મદ અફઝલ હસન / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ