નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર (હિ.સ): દેશની ચુનંદા આતંકવાદ વિરોધી દળ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) એ, ગઢવાલ હિમાલયમાં 7,075 મીટર ઊંચા માઉન્ટ સતોપંથ પર ચઢીને તેના પ્રિ-એવરેસ્ટ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ ખાસ અભિયાન 12 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી ચાલશે. એપ્રિલ 2026 માં પ્રસ્તાવિત એવરેસ્ટ અભિયાનની તૈયારી માટે આ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
એનએસજી ના ડિરેક્ટર જનરલ બૃઘુ શ્રીનિવાસન (આઈપીએસ) એ, શનિવારે માનેસરથી એક અધિકારી અને 14 કમાન્ડોની ટીમને લીલી ઝંડી આપી. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે, આ પર્વતારોહણ અભિયાન બ્લેક કેટ્સ ની સહનશક્તિ, ધીરજ, ઓપરેશનલ તૈયારી અને અદમ્ય ભાવનાનું પ્રતીક છે. આ યાત્રા શારીરિક મજબૂતાઈ, માનસિક દૃઢતા, અસ્તિત્વ ટકાવી રાખવાની કુશળતા અને ટીમ ભાવનાની કસોટી છે, જે ગુણો એનએસજી ની શક્તિ અને કાર્યક્ષમતાને વ્યાખ્યાયિત કરે છે. ડિરેક્ટર જનરલે ટીમની સફળતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને શુભકામનાઓ પાઠવી.
આ એનએસજી ટીમ પડકારજનક ગંગોત્રી-ભોજબાસા-ગૌમુખ-નંદનવન-વાસુકિતાલ રૂટ દ્વારા એક ઉચ્ચ-ઊંચાઈનો કેમ્પ સ્થાપિત કરશે અને સતોપંથ પર્વતની ટોચ પર પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, એનએસજી એ 2019 માં માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચઢાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિએ બ્લેક કેટ કમાન્ડોની હિંમત, નિશ્ચય અને વ્યાવસાયિકતાને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરી હતી. અધિકારીઓ માને છે કે, આવા ઓપરેશન્સ માત્ર કમાન્ડોની ઝડપી પ્રતિક્રિયા ક્ષમતાઓ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં કાર્ય કરવાની ક્ષમતામાં વધારો કરતા નથી પરંતુ દળના કર્મચારીઓની શારીરિક અને માનસિક સ્થિતિસ્થાપકતાને પણ મજબૂત બનાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ