- આગામી બે દિવસ વરસાદની આગાહી,સુત્રાપાડામાં 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદઅમદાવાદ, 29 સપ્ટેમ્બર (હિ.સ.): હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રિના સાતમા દિવસે ગુજરાત અમદાવાદ,સુરત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદે પગલે મોટાભાગના પાર્ટી પ્લોટના ગરબા આયોજનો પર પાણી ફેરવી દીધું હતું. પરંતુ ખેલૈયાઓનો ઉત્સાહ ઓછો થયો નથી. મોટાભાગના ગરબાઓ રદ્દ થતાં ખેલૈયાઓ એસઈ ડોમ માં ચાલતા અન્ય ગરબા આયોજનોમાં ઊમટી પડ્યા હતા, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદ રહેશે. તો બે કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે 11 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજા દિવસે એટલે કે, 30 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહી શકે તેવી શક્યતા છે. વરસાદને કારણે નોરતામાં ખેલૈયાઓને ગરબા રમવામાં ભંગ પડ્યો છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતા જિલ્લાઓમાં ભારે વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા 29 સપ્ટેમ્બરના રોજ યોજાનારી BSC, BCA અને BBAની તમામ નિયમિત પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરવામાં આવેલી નોંધ મુજબ, વિદ્યાર્થીઓ અને પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા તમામ પક્ષકારોને આ ફેરફારની નોંધ લેવા જણાવાયું છે. જેમાં આચાર્યો, સુપ્રિટેન્ડેન્ટ અને સ્ટાફનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીએ સ્પષ્ટ કર્યું છે કે, મોકૂફ રખાયેલી આ પરીક્ષાઓની નવી તારીખ હવે પછી યુનિવર્સિટીની વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવશે. પરીક્ષાના કામગીરી સાથે સંકળાયેલા તમામ લોકોને સૂચના આપવામાં આવી છે કે, તેઓ વિદ્યાર્થીઓને આ અંગેની જાણ સત્વરે કરે, જેથી કોઈ વિદ્યાર્થી અજાણ ન રહે. સતત વરસાદના કારણે વિદ્યાર્થીઓની સલામતી અને ટ્રાફિકની મુશ્કેલીઓ ટાળવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ