રેશમની દોરીથી આત્મનિર્ભરતા તરફ : અમરેલીની લક્ષ્મીબેન વાઘેલાની સફળતા કથા
અમરેલી,, 29 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ગામે વસવાટ કરતી લક્ષ્મીબેન વાઘેલા આજે ગ્રામ્ય સ્ત્રી સશક્તિકરણનું જીવંત પ્રતિક બની છે. નાની શરૂઆત કરીને મોટા સપના સાકાર કરનાર લક્ષ્મીબેન આજે “લખપતિ દીદી” તરીકે ઓળખાય છે. માત્ર 1000 રૂપિયાના રો
રેશમની દોરીથી આત્મનિર્ભરતા તરફ : અમરેલીની લક્ષ્મીબેન વાઘેલાની સફળતા કથા


અમરેલી,, 29 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ગામે વસવાટ કરતી લક્ષ્મીબેન વાઘેલા આજે ગ્રામ્ય સ્ત્રી સશક્તિકરણનું જીવંત પ્રતિક બની છે. નાની શરૂઆત કરીને મોટા સપના સાકાર કરનાર લક્ષ્મીબેન આજે “લખપતિ દીદી” તરીકે ઓળખાય છે. માત્ર 1000 રૂપિયાના રોકાણથી શરૂ કરેલો નાનો વ્યવસાય આજે તેમને દર મહિને આશરે 80,000 રૂપિયાની આવક આપતો બન્યો છે.

લક્ષ્મીબેન ઘરમાં બેઠા બેઠા રેશમની દોરીથી ગૃહ શુશોભનની આકર્ષક વસ્તુઓ બનાવે છે. તેઓ ખાસ કરીને ઝુલા, ઝૂમર, તોરણ અને તોડલિયા જેવી વસ્તુઓ ડિઝાઇન કરે છે, જે ઘર કે દુકાનની સુંદરતા વધારવામાં મદદરૂપ થાય છે. તેમના હાથની કલાએ ગામથી લઈને શહેર સુધીના લોકોનું દિલ જીતી લીધું છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના બજારમાં પણ તેમની વસ્તુઓની સારી માંગ છે.

લક્ષ્મીબેન જણાવે છે કે શરૂઆતના દિવસોમાં તેમને નવા વ્યવસાયની સમજ નહોતી, પરંતુ “એસબીઆઇ બેન્ક ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર”માં 15 દિવસનું તાલીમ લઈને તેમને આત્મવિશ્વાસ મળ્યો. તાલીમ દરમ્યાન કાચામાલ ખરીદી, બનાવટની પદ્ધતિ, માર્કેટિંગ અને વેચાણની રીતો શીખ્યા બાદ તેમણે વ્યવસાયની શરૂઆત કરી. ધીમે ધીમે તેમના ઉત્પાદનોને ઓળખ મળી અને આજે તેઓ પોતાના પરિવાર સાથે સાથે ગામની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્રોત બન્યા છે.

મહિલા સશક્તિકરણની દિશામાં લક્ષ્મીબેનનું યોગદાન મહત્ત્વનું છે. ઘરઆંગણે રહીને તેમણે સાબિત કર્યું કે હિંમત, કુશળતા અને નિષ્ઠા હોય તો આર્થિક રીતે સ્વાવલંબી બનવું મુશ્કેલ નથી. ગામડાની મહિલાઓ માટે તેમની કથા સંદેશ આપે છે કે પરંપરાગત ઘરકામની સાથે સાથે જો થોડું જુદું કરવા હિંમત કરીએ, તો સફળતા દૂર નથી.

લક્ષ્મીબેન વાઘેલા આજે માત્ર પોતાની આવક જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ અને સન્માન પણ કમાઈ રહ્યા છે. તેમના પ્રયત્નોથી સાબિત થાય છે કે ગ્રામ્ય સ્ત્રીઓ જો તક અને માર્ગદર્શન મેળવે, તો તેઓ પણ આત્મનિર્ભરતા તરફ આગળ વધી “લખપતિ દીદી” બની શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande