અમરેલી , 3 સપ્ટેમ્બર (હિ.સ.)'તેરા તુજકો અર્પણ' અંતર્ગત ગુમ થયેલ ઘરેણાંવાળી બેગ શોધી અરજદારને પરત આપી માનવતા અને ફરજનું અનોખું ઉદાહરણ
અમરેલી જિલ્લામાં ટ્રાફિક પોલીસ શાખા દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. અરજદારશ્રીની કિંમતી ઘરેણાં સાથેની બેગ ગુમ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના બાદ જિલ્લા ટ્રાફિક પોલીસના જાગૃત સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી તપાસ હાથ ધરી. સતત પ્રયાસો બાદ ગુમ થયેલી બેગ મળી આવતાં પોલીસકર્મીઓએ કોઈપણ પ્રકારની વિલંબ વિના તે બેગ યથાવત્ અરજદારને પરત સોંપી.
આ કામગીરીથી અરજદાર તથા સ્થાનિક નાગરિકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે. સામાન્ય રીતે ગુમ થયેલા સામાનમાં ખાસ કરીને કિંમતી ઘરેણાં પરત મળવાની શક્યતાઓ ઓછી રહેતી હોય છે, પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા નિષ્ઠાપૂર્વકની કામગીરીથી અરજદારનો કિંમતી સામાન સલામત પરત મળ્યો.
જિલ્લા ટ્રાફિક શાખાની આ માનવતાભરી સેવા માત્ર ફરજ નિષ્ઠા જ નહીં પરંતુ સમાજ પ્રત્યેની સકારાત્મક જવાબદારીનું પણ પ્રતિક છે. “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ આવી કામગીરી નાગરિકો અને પોલીસ વચ્ચેના વિશ્વાસના પુલને વધુ મજબૂત બનાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai