-કેન્દ્રીય ગૃહમંત્રીએ, 'ઓપરેશન બ્લેક ફોરેસ્ટ' સફળતાપૂર્વક પાર પાડનારા સૈનિકોનું સન્માન કર્યું
નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે, જ્યાં સુધી બધા નક્સલીઓ આત્મસમર્પણ ન કરે, પકડાય નહીં અથવા ખતમ ન થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં. તેમણે કહ્યું કે, 31 માર્ચ, 2026 સુધીમાં દેશને નક્સલમુક્ત બનાવવાનો મોદી સરકારનો સંકલ્પ છે.
અમિત શાહે, નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને છત્તીસગઢના બસ્તરમાં કર્રેગુટ્ટાલુ ટેકરી પર 'ઓપરેશન બ્લેક ફોરેસ્ટ' સફળતાપૂર્વક પાર પાડનારા સીઆરપીએફ, છત્તીસગઢ પોલીસ, જિલ્લા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) અને કોબ્રા ફોર્સના સૈનિકો સાથે મુલાકાત કરી અને તેમનું સન્માન કર્યું. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય અને નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા પણ હાજર હતા.
તેમણે કહ્યું કે, કર્રેગુટ્ટાલુની દુર્ગમ ટેકરીઓ પર સતત 19 દિવસ સુધી ચાલેલા સૌથી મોટા નક્સલ વિરોધી ઓપરેશનમાં બહાદુર સૈનિકોએ કોઈ પણ જાનહાનિ વિના 30 થી વધુ નક્સલીઓને મારીને ઐતિહાસિક સફળતા મેળવી. આપણા સુરક્ષા દળોની બહાદુરી નક્સલ વિરોધી કામગીરીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે.
બહાદુર સૈનિકોને અભિનંદન આપતાં શાહે કહ્યું કે, 'ઓપરેશન બ્લેક ફોરેસ્ટ' નક્સલ વિરોધી કામગીરીના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ તરીકે નોંધાશે. તેમણે કહ્યું કે મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ, ભારે ગરમી અને દરેક પગલે આઈઈડી ના ખતરાઓ હોવા છતાં, સુરક્ષા દળોએ બહાદુરી બતાવી છે અને નક્સલવાદીઓના બેઝ કેમ્પ અને તેમની સપ્લાય ચેઇનનો નાશ કર્યો છે.
ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરી કે, મોદી સરકારનું લક્ષ્ય દેશને નક્સલવાદથી સંપૂર્ણપણે મુક્ત કરવાનું છે. તેમણે કહ્યું, જ્યાં સુધી બધા નક્સલવાદીઓ આત્મસમર્પણ ન કરે, પકડાય નહીં અથવા ખતમ ન થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં. 31 માર્ચ, 2026 સુધીમાં ભારતને નક્સલ મુક્ત બનાવવામાં આવશે. શાહે કહ્યું કે, દાયકાઓથી નક્સલવાદીઓએ દેશના પછાત વિસ્તારોને વિકાસથી વંચિત રાખ્યા, શાળાઓ અને હોસ્પિટલો બંધ કરી દીધી અને સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચતી અટકાવી. પરંતુ હવે નક્સલ વિરોધી કામગીરીના પરિણામે, પશુપતિનાથથી તિરુપતિ સુધીના વિસ્તારના સાડા છ કરોડ લોકોના જીવનમાં એક નવો સૂર્યોદય થયો છે.
તેમણે ખાતરી આપી કે, મોદી સરકાર અને છત્તીસગઢ સરકાર નક્સલ વિરોધી કામગીરીમાં ગંભીર શારીરિક ઇજાઓ પામેલા સુરક્ષા દળના કર્મચારીઓને અને તેમના જીવનને સુચારુ રીતે ચલાવવા માટે શક્ય તમામ સહાય પૂરી પાડી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ