વલસાડ, 3 સપ્ટેમ્બર (હિ.સ.)- નવા ભારતની ઓળખ સમાન
અને દેશને ગૌરવ અપાતુ ઓપરેશન સિંદુર આજે દરેક ભારતીય નાગરિકમાં જોમ અને જુસ્સાનું
પ્રતિક ગણાય છે. આપણા દેશના વીર જવાનોના સાહસ અને શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદુર
હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. ગણપતિ બાપ્પાની ભક્તિ
સાથે ગણેશ પંડાલોમાં દેશભક્તિનો પણ સમન્વય થતા લોકો દર્શન કરી અભિભૂત થઈ રહ્યા છે.
રાજ્યના નાણાં, ઊર્જા અને
પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વાપીના ચલા ખાતે અવધ રેસીડેન્સી મિત્ર
મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ઓપરેશન સિંદુર થીમ આધારિત ડેકોરેશનને નિહાળી
સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
દરેક નાગરિકમાં પોત પોતાના ધર્મની સાથે દેશભક્તિ પણ સર્વોચ્ચ
સ્થાને હોય છે. તા. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આંતકવાદી
હુમલાનો વળતો જવાબ આપવા માટે દેશની ત્રણેય સેનાના સાહસ, પરાક્રમ અને શોર્યની ગાથા સમાન ‘‘ઓપરેશન સિંદુર’’
શરૂ કરવામાં આવ્યું હતું. જેને સમગ્ર વિશ્વએ બિરદાવ્યું હતું. નવા ભારતની નવી
પહેચાન સમાન ગણાતુ આ ઓપરેશન સિંદુર ગણેશોત્સવમાં લોકોમાં દેશભક્તિની પ્રબળ ભાવના
જન્માવી રહ્યુ છે. વલસાડ જિલ્લાના વાપીના ચલા ખાતે અવસ રેસીડેન્સી મિત્ર મંડળ
દ્વારા ઓપરેશન સિદુંરની થીમ આધારિત ડેકોરેશનની સાથે સાથે બાળકોમાં દેશભક્તિની
ભાવના પ્રબળ બને તે માટે દેશભક્તિ આધારિત વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં
આવ્યું હતું.
ઓપરેશન સિંદુરની થીમ
અંગે વાપીના ચલા સ્થિત અવધ રેસી.મિત્ર મંડળના આયોજક દિનેશ સુરેશભાઈ માંગેલા જણાવે
છે કે, જે દિવસે ભારતે
આતંકવાદના કાયરતાપૂર્ણ કૃત્યનો જવાબ આપવા માટે ઓપરેશન સિંદુર શરૂ કર્યુ હતું તે
દિવસે જ આ વખતના ગણેશોત્સવમાં ડેકોરેશનની થીમ ‘‘ઓપરેશન સિંદુર’’ રાખવાનું નક્કી
કર્યુ હતું. જેમાં અમારા મંડળના 15થી 20 યુવક- યુવતીની ટીમે ભગીરથ મહેનત કરી હતી.
ડેકોરેશનમાં 60 ફૂટના સમગ્ર પંડાલને તિંરગાના રંગથી શણગાર્યો છે. ડાયોગ્રામ બનાવી
ગણપતિ બાપ્પાની પાછળથી અશોક ચક્ર અને તિંરગાના કલર દેખાય તેનું વિશેષ ધ્યાન રાખ્યુ
હતું. આ સિવાય બ્રહ્મોસ અને એસ ૪૦૦ મિસાઈલ, એર ફોર્સના 7પ્લેનની રેપ્લિકા, દેશની ત્રણેય સેનાની બહાદુર મહિલાઓના કટ આઉટ અને
પહાડો તેમજ ખીણમાં પોતાના જીવના જોખમે દેશની રક્ષા કરતા વીર જવાનોની પ્રતિકૃતિ
પંડાલમાં બનાવવામાં આવી હતી. ત્રણેય સેનાનાની મહિલાઓએ ઓપરેશન સિંદુરમાં નવા ભારતનો
ઈતિહાસ રચ્ચો હોવાથી મંડળ દ્વારા તેઓના ફોટોની સાથે નારી શક્તિના પ્રતિક સમાન મા
દુર્ગાની છબી પણ બનાવવામાં આવી હતી. જેનાથી મહિલાઓમાં પણ ભરપૂર આત્મવિશ્વાસ છલકાયો
હતો. રાજ્યના નાણામંત્રી કનુભાઈ
દેસાઈએ પણ આ મંડળની મુલાકાત લઈ દેશભક્તિ આધારિત ઓપરેશન સિંદુરની થીમને વખાણી
આયોજકોને બિરદાવ્યા હતા. અંદાજે 6000થી વધુ લોકો ઓપરેશન સિંદુર આધારિત આ
ડેકોરેશનને નિહાળી દેશભક્તિના રંગે રંગાયા હતા. બાળકોમાં પણ
દેશભક્તિની ભાવના બળવત્તર બને તે માટે રોજે રોજ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં
આવ્યું હતું. જેમાં દેશભક્તિ અને ઓપરેશન સિંદુર આધારિત ચિત્રકામ સ્પર્ધા, તિરંગા થીમ આધારિત આરતીની થાળી ડેકોરેશન સ્પર્ધાઅનેદેશભક્તિ આધારિત
વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરાયુ હતું.
આયોજક દિનેશભાઈ
માંગેલા વધુમાં જણાવે છે કે, ગણેશ પંડાલમાં
બાપ્પાનું આગમન પણ ઓપરેશન સિંદુર આધારિત ભવ્ય થીમ સાથે કરવામાં આવ્યુ હતું.
રસ્તાની બંને બાજુ અબાલ-વૃધ્ધ હર કોઈ હાથમાં તિરંગા અને ઓપરેશન સિંદુરના પોસ્ટર
હાથમાં લઈ બાપ્પાના સ્વાગત માટે ખડેપગે રહ્યા હતા. બાપ્પાના વિસર્જનમાં પણ ઓપરેશન
સિંદુરની બોલબાલા રહી હતી. દરેક ભક્તોએ ઓપરેશન સિદુંરની ટીશર્ટ પહેરી હતી. આમ, દેશભક્તિના રંગમાં તરબોળ બની બાપ્પાને ભાવભરી વિદાય
આપી ઓપરેશન સિંદુર આધારિત ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. અત્રે
ઉલ્લેખનીય છે કે, વાપીના ચલા ખાતે
સ્થિત આ અવધ રેસી. મિત્ર મંડળ દ્વારા છેલ્લા 14 વર્ષથી દેશભક્તિ અને ધાર્મિકતાની
થીમ પર ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે જે અન્ય મંડળો માટે પણ પ્રેરણાદાયી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે