પાટણ, 3 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણની શેઠ એમ.એન. હાઇસ્કૂલમાં 1 સપ્ટેમ્બર, 2025ના રોજ 'આપણી શાળા આપણું સ્વાભિમાન' કાર્યક્રમ યોજાયો હતો. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શાળામાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી. શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે શાળાપ્રેમ, શિસ્ત અને સ્વચ્છતાને જીવનમૂલ્યો સાથે જોડી કાર્યક્રમના ઉદ્દેશની વિસ્તૃત સમજ આપી હતી, જ્યારે મદદનીશ શિક્ષક વિપુલભાઈ પટેલે શાળાને સંસ્કારોનું તીર્થસ્થાન ગણાવ્યું હતું.
શિક્ષિકા બીનાબેન પટેલના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળાની સ્વચ્છતા, હરિયાળી જાળવણી અને શિસ્તબદ્ધ વાતાવરણ માટે પ્રતિજ્ઞા લીધી હતી. શાળાની મિલકતને રાષ્ટ્રીય સંપત્તિ સમાન માનવાનો સંકલ્પ કર્યો હતો, જે વિદ્યાર્થીના ઘડતર માટે સકારાત્મક સંદેશ બની રહ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા ગીતાબેન પરમારે કર્યું હતું અને શાળાના કલાવૃંદ દ્વારા રજૂ કરાયેલું આપણી શાળા આપણું સ્વાભિમાન ગીત સમગ્ર માહોલને મંત્રમુગ્ધ કરી ગયો હતો. 700થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી સાથે આ કાર્યક્રમ માત્ર ઉજવણી નહીં રહી, પણ શાળાપ્રેમ, શિસ્ત, સ્વચ્છતા અને રાષ્ટ્રીય જવાબદારી તરફ એક નવી ચળવળનું પ્રતિક બની રહ્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ