વડોદરા, 3 સપ્ટેમ્બર (હિ.સ.) આજ રોજ વડોદરા(રૂ) જિલ્લાના તાલુકામાં આર.બી.એસ.કે. (Rashtriya Bal Swasthya Karyakram) ટીમ દ્વારા આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી. આર.બી.એસ.કે. યોજના અંતર્ગત જન્મથી લઈને ૧૮ વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થ્યની તપાસ, સંભાળ તથા સારવાર માટે નિયમિત અભિયાન ચલાવવામાં આવે છે. તે જ અંતર્ગત આજે તાલુકાની આર.બી.એસ.કે. ટીમે વિવિધ ડિલીવરી પોઈન્ટ પર મુલાકાત કરી.
મુલાકાત દરમ્યાન તાજેતરમાં જન્મેલા બાળકોનું પ્રાથમિક આરોગ્ય ચકાસણ કરવામાં આવ્યું. જેમાં જન્મ સમયે બાળકનું વજન, ઊંચાઈ, તાપમાન, શ્વાસ-પ્રશ્વાસ, હૃદય ધબકારા જેવી જીવનપ્રક્રિયાની વિગતવાર તપાસ કરવામાં આવી. સાથે જ નવજાત શિશુમાં કોઈ જન્મજાત વિકલાંગતા કે શારીરિક ખામી જણાય છે કે નહીં તેની પણ તકેદારીપૂર્વક તપાસ હાથ ધરાઈ. માતાને શિશુ સંભાળ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમ કે નવજાતને માત્ર માતાનું દૂધ આપવાની સલાહ, સફાઈ-સ્વચ્છતા જાળવવા તથા રસીકરણ અંગે જાગૃતિ.
આ આરોગ્ય તપાસ દરમિયાન આર.બી.એસ.કે. ટીમના ડોક્ટરો, નર્સો તથા આરોગ્ય કાર્યકરો હાજર રહ્યા હતા. જન્મેલા બાળકોના સંપૂર્ણ આરોગ્યનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું જેથી ભવિષ્યમાં બાળકના આરોગ્યમાં કોઈ તકલીફ આવે તો તાત્કાલિક સારવાર મળી શકે. ખાસ કરીને જન્મ પછીના પ્રથમ 28 દિવસ બાળકોના આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે, તે દ્રષ્ટિએ આ તપાસ ખૂબ જ ઉપયોગી બની.
આ કામગીરીથી તાલુકાના લોકોમાં આરોગ્ય બાબતે જાગૃતિ વધવા સાથે બાળકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત થઈ રહી છે. આર.બી.એસ.કે. ટીમ દ્વારા કરવામાં આવેલ આ મુલાકાતો ગામડાં સ્તરે આરોગ્ય સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે એક સકારાત્મક પગલું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya