નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા વિજય મલ્હોત્રાનું, આજે સવારે 94 વર્ષની વયે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત એઇમ્સ ખાતે અવસાન થયું. એઇમ્સે એક નિવેદન બહાર પાડીને આ વાતની પુષ્ટિ કરી.
ભાજપના નેતા મલ્હોત્રા છેલ્લા 45 વર્ષોમાં પાંચ વખત સંસદ સભ્ય (સાંસદ) અને દિલ્હીથી બે વખત ધારાસભ્ય રહ્યા. 2004 ની સામાન્ય ચૂંટણીઓમાં, મલ્હોત્રા દિલ્હીમાં તેમની બેઠક જીતનારા એકમાત્ર ભાજપ ઉમેદવાર હતા. તેમના રાજકીય કારકિર્દી દરમિયાન, મલ્હોત્રાએ સ્વચ્છ અને નિર્દોષ છબી જાળવી રાખી હતી. તેમણે હિન્દી સાહિત્યમાં ડોક્ટરેટની પદવી મેળવી હતી. રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ ઉપરાંત, તેઓ દિલ્હીમાં ચેસ અને તીરંદાજી ક્લબના વહીવટમાં પણ સામેલ હતા.
મલ્હોત્રાનો જન્મ 3 ડિસેમ્બર, 1931 ના રોજ લાહોર, હાલના પાકિસ્તાનમાં થયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બાદ, તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. મલ્હોત્રાએ, જન સંઘ યુગ દરમિયાન દિલ્હીમાં સંઘની વિચારધારાને વિસ્તૃત કરવા માટે વ્યાપકપણે કામ કર્યું.
દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું હતું કે, પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હી ભાજપના પ્રથમ પ્રમુખ પ્રો. વિજય કુમાર મલ્હોત્રાનું આજે સવારે અચાનક અવસાન થયું છે. તેમણે જણાવ્યું હતું કે પ્રો. મલ્હોત્રાનું જીવન સાદગી અને જાહેર સેવા પ્રત્યે સમર્પણનું ઉદાહરણ હતું. આપણે બધાએ તેમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે, પ્રો. વિજય કુમાર મલ્હોત્રા દિલ્હીના પ્રથમ વિકાસ નેતા હતા. તેમણે 1970-75 દરમિયાન મુખ્ય કાર્યકારી કાઉન્સિલર તરીકેના કાર્યકાળ દરમિયાન, પટેલ નગરને મોતી નગર સાથે જોડતા દિલ્હીના પ્રથમ ફ્લાયઓવરનું બાંધકામ શરૂ કરાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ