નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર (હિ.સ.). ઓસ્ટ્રેલિયાના અનેક શહેરોમાં થઈ રહેલા ઇમિગ્રન્ટ વિરોધી વિરોધ પ્રદર્શનો પર ભારતે ચિંતા વ્યક્ત કરી છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયન સરકારે, ભારતની ચિંતાઓને ધ્યાનમાં લીધી છે અને સ્વીકાર્યું છે કે આ વિરોધ તેમના બહુસાંસ્કૃતિક સમાજ માટે ચિંતાનો વિષય બની શકે છે. ભારતે ખાતરી આપી છે કે તે વિદેશમાં રહેતા ભારતીયોની સલામતી અને સુખાકારી માટે પ્રતિબદ્ધ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે, શુક્રવારે એક સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીયો વિરુદ્ધ થયેલા તાજેતરના વિરોધ પ્રદર્શનો પર પ્રતિક્રિયા આપી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 31 ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયાના અનેક શહેરોમાં ઇમિગ્રન્ટ વિરોધી વિરોધ પ્રદર્શનો થયા હતા. આ દરમિયાન, ભારતના હાઇ કમિશન અને કોન્સ્યુલ જનરલ સતત ઓસ્ટ્રેલિયન સરકાર અને ભારતીય સમુદાયના સંપર્કમાં હતા.
જયસ્વાલે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન સરકાર અને વિપક્ષ બંનેના વરિષ્ઠ નેતાઓએ ત્યાં બહુસાંસ્કૃતિક ઓળખને સમર્થન આપતા નિવેદનો જારી કર્યા છે. તેઓએ ભારતીય ઓસ્ટ્રેલિયન સમુદાયના યોગદાનની પણ પ્રશંસા કરી અને સ્વીકાર્યું કે, ભારતીય મૂળના લોકોએ ઓસ્ટ્રેલિયાની પ્રગતિ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભારત વિવિધતાને શક્તિ માને છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી છે, જેમાં લોકો વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પરસ્પર સંબંધો બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે. તેમણે ખાતરી આપી હતી કે ભારત સરકાર વિદેશમાં રહેતા ભારતીયોની સલામતી અને સુખાકારી માટે પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં, ભારત સતત ઓસ્ટ્રેલિયન સરકાર અને ત્યાંના પ્રવાસી સંગઠનો સાથે સંપર્કમાં છે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ