પાટણ, 6 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના રાજપુર ગામમાં ભાદરવા સુદ ચૌદશની સાંજે બ્રહ્માણી માતાજીની પરંપરાગત ટોપલા ઉજાણી ઉજવાઈ હતી. ચાણસ્મા રોડ પર આવેલા માતાજીના મંદિર પરિસરમાં વરસતા વરસાદ વચ્ચે આ ધાર્મિક વિધિ ભાવભેર સંપન્ન થઈ હતી. ગામની મહિલાઓએ ઘરે તૈયાર કરેલી ખીચડી, લાડવા અને ઘી ટોપલામાં ભરી, ઢોલના તાલે માથા પર ટોપલા લઈને મંદિરે પહોચી હતી. ત્યાં નૈવેદ્ય ધરાવી, પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.
ગામની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે ગામના પાદરે તોરણ બાંધવામાં આવ્યા હતા. દૂધની ધારવણી કરીને શુભ શક્તિઓને આમંત્રિત કરવામાં આવી હતી. ઉપરાંત, સુતરના દોરાથી ગામની સીમા પર સુરક્ષા કવચ બાંધવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં મેળા જેવી શુભ વાતાવરણ સર્જાયું હતું.
વર્ષોથી પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉજવાતી ટોપલા ઉજાણી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક સંકળાવ પણ ધરાવે છે. સમૂહમાં યોજાતી આ પરંપરા દ્વારા ગામજનોમાં એકતા, પરિચય અને સંબંધો મજબૂત બને છે, જે સમાજના સુદ્રઢિકરણમાં સહાયક બની રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ