જૂનાગઢ, 7 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ શિક્ષક દિવસના અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળાઓમાં ખાસ કરીને વિશેષ કામગીરી કરતા વિવિધ જિલ્લાના શિક્ષકો સાથે પ્રેરણાત્મક સંવાદ કર્યો હતો. શિક્ષકોનું મુખ્યમંત્રી એ સન્માન કર્યું હતું.જેમાં જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાના બે શિક્ષકોને તક મળી હતી.
જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા એ આજે આ બંને શિક્ષકો ને અભિનંદન પાઠવી અન્ય શિક્ષકોને પણ પ્રેરણા મળે તે માટે શુભકામના પાઠવી હતી. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણતંત્રના અધિકારીઓએ પણ આ પ્રવૃત્તિ બદલ તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
વિસાવદર તાલુકાની ઢેબર પ્રાથમિક શાળાના શિક્ષક દર્શન ભાડેચિયા કે જેમણે બાળકોને સારામાં સારું શિક્ષણ મળે તેમજ બાળકોને ઈતર પ્રવૃત્તિ અને અન્ય વ્યવહારો શિક્ષણ મળે તે માટે અન્ય સંસ્થાઓની મુલાકાત કરાવી અને વાલીઓના સંપર્કમાં રહીને શાળાના વિકાસ માટેની પ્રવૃત્તિઓ ટીમ વર્કથી કરવી જેવી કામગીરી બદલ તેમની આ કાર્યક્રમમાં પસંદગી કરવામાં આવી હતી.
આ ઉપરાંત માળીયાહાટીના તાલુકા પે.સેન્ટર શાળા ના શિક્ષક અજીત સિંહડોડીયા કે જેમણે ગણિતના શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ઘડિયાનો મહાવરો થાય તે માટે ખાસ ટેકનીકથી શિક્ષણ આપવા ઉપરાંત શાળાનું પુસ્તકાલય વિદ્યાર્થીઓને ઉપયોગી બને તે માટે પુસ્તકોનું વર્ગીકરણ અને વ્યવસ્થા નક્કી કરવામાં ટીમ વર્કથી કામગીરી કરવા બદલ તેમજ શાળામાં સ્વચ્છતા ને વૃક્ષ ઉછેર પર્યાવરણ વિષયક કામગીરી સહિતની કામગીરી બદલ પસંદગી કરવામાં આવી હતી. બંને શિક્ષકોએ મુખ્યમંત્રી એ તેમને સન્માનિત કરતા હર્ષની લાગણી વ્યક્ત કરી તેમના ઉત્સાહમાં વધારો થયો છે તેમ પ્રતિભાવ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ