જૂનાગઢ સૌરાષ્ટ્રમાં એકમાત્ર જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પેલીએટીવ વોર્ડ કાર્યરત: કીમોથેરાપી અને પેલીએટીવ વોર્ડમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ૨૪૦૦ દર્દીઓએ સારવાર લીધી
જુનાગઢ 7 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ, ગુજરાત સરકારના આરોગ્ય સુરક્ષા પ્રત્યેના અડગ પ્રયાસોના ભાગરૂપે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અસાધ્ય રોગો, ખાસ કરીને કેન્સરથી પીડાતા દર્દીઓ માટે ઉચ્ચ સ્તરની સેવા અને સંભાળ પૂરી પાડવા કીમોથેરાપી અને પેલિએટિવ કેર વોર્ડ કાર
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં


જુનાગઢ 7 સપ્ટેમ્બર (હિ.સ.)

જૂનાગઢ, ગુજરાત સરકારના આરોગ્ય સુરક્ષા પ્રત્યેના અડગ પ્રયાસોના ભાગરૂપે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અસાધ્ય રોગો, ખાસ કરીને કેન્સરથી પીડાતા દર્દીઓ માટે ઉચ્ચ સ્તરની સેવા અને સંભાળ પૂરી પાડવા કીમોથેરાપી અને પેલિએટિવ કેર વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ અને સમર્પિત પ્રયાસોને કારણે, જૂનાગઢ સરકારી હોસ્પિટલે છેલ્લાં બે વર્ષમાં આશરે ૨૪૦૦ દર્દીઓને સારવાર પૂરી પાડી છે, જે જનસામાન્યના આરોગ્ય પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે.

જૂનાગઢ જિલ્લામાં હાલમાં લગભગ ૩૫૦૦ કેન્સરગ્રસ્ત દર્દીઓ છે, અને આ સંખ્યા સતત વધી રહી છે. કેન્સરની સારવારમાં સર્જરી, રેડિયોથેરાપી અને કીમોથેરાપી જેવી પ્રક્રિયાઓ અનિવાર્ય બની જાય છે. આ સારવાર લીધા પછી દર્દીઓને શારીરિક નબળાઈ, ઉબકા, ઝાડા, રક્તકણોનું પ્રમાણ ઘટવું, પેટમાં પાણી ભરાવું, હાથ-પગમાં સોજો, ભૂખ ન લાગવી, વજન ઘટવું, અનિદ્રા અને રક્તસ્ત્રાવ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા સંચાલિત જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો પેલિએટિવ કેર વોર્ડ આવી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠ સારવાર પૂરી પાડે છે, જે સરકારના ‘આરોગ્ય સૌના માટે’ના ધ્યેયને મજબૂત કરે છે.

કીમોથેરાપી અને રેડિયોથેરાપી પછી દર્દીઓને થતી અતિશય નબળાઈ ૧૦-૧૫ દિવસ સુધી રહેતી તકલીફોનો ઉપચાર આ વોર્ડમાં અસરકારક રીતે કરવામાં આવે છે. પેલિએટિવ કેર વોર્ડ માં કરવામાં આવતી સારવારના પરિણામે દર્દીઓ સામાન્ય રીતે માત્ર ૩-૪ દિવસમાં જ સામાન્ય જીવન તરફ પાછા ફરી શકે છે. ઉપરાંત, અંતિમ તબક્કાના કેન્સરગ્રસ્ત દર્દીઓને પણ કીમોથેરાપી આપીને ઓછી તકલીફ સાથે જીવન જીવવામાં મદદ કરવામાં આવે છે, જે સરકારની સંવેદનશીલ આરોગ્ય નીતિઓનું પરિણામ છે.

કીમોથેરાપી અને પેલિએટિવ વોર્ડના ઇન્ચાર્જ ડો. અજય પરમારે જણાવ્યું કે, ગુજરાત સરકારના સતત પ્રયાસો અને આરોગ્ય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે કીમોથેરાપી અને પેલિએટિવ કેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વોર્ડમાં ફેફસાં, મોઢું, સ્તન, આંતરડા અને અન્નનળીના કેન્સર જેવા પુખ્તવયના દર્દીઓમાં જોવા મળતા મોટાભાગના કેન્સરની સારવાર થાય છે. ખાસ કરીને, અંતિમ તબક્કામાં દર્દીઓને થતી તકલીફો જેવી કે પેટમાં પાણી ભરાવું, રક્તસ્ત્રાવ, નબળાઈ, ચક્કર અને રક્તકણોનું ઘટતું પ્રમાણ જેવી સમસ્યાઓનું નિદાન અને સારવાર અહીં કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, હાલમાં પેલિએટિવ ડે કેર સેન્ટરમાં ૧૧ જેટલા દર્દીઓ સારવાર લઈ રહયા છે. અહિ અમરેલી,ભાવનગર,રાજકોટ ,પોરબંદર થી દર્દીઓ સારવાર માટે આવે છે.

ડો. પરમારે જણાવ્યું કે કેન્સરનું મુખ્ય કારણ પેસ્ટિસાઇડયુક્ત ખોરાકનો વપરાશ છે. આ ઉપરાંત, તમાકુનું સેવન, આનુવંશિક પરિબળો અને પર્યાવરણીય પ્રદૂષણ પણ કેન્સરના જોખમને વધારે છે. સરકાર દ્વારા આ બાબતે જનજાગૃતિ ફેલાવવા અને નિવારણના પગલાં લેવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

ગુજરાત સરકારના આરોગ્ય સુરક્ષા પ્રત્યેના સમર્પણ અને સતત પ્રયાસોના પરિણામે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલનો કીમોથેરાપી અને પેલિએટિવ કેર વોર્ડ કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે આશાનું કિરણ બની રહ્યો છે. આ સરકારી હોસ્પિટલની નિશુલ્ક અને ગુણવત્તાયુક્ત સારવાર દર્દીઓને ઓછી તકલીફ સાથે જીવન જીવવામાં મદદ કરે છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ, આર.એમ.ઓ. ડો. કુબાવતના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉપરોક્ત તમામ સારવાર થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande