નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 9 સપ્ટેમ્બરે પૂરગ્રસ્ત પંજાબની મુલાકાત લેશે. આ દરમિયાન, તેઓ પૂરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે વાત કરશે અને પરિસ્થિતિ વિશે જાણશે. ભાજપના પંજાબ એકમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી છે.
પાર્ટીએ એક્સ પોસ્ટમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે પંજાબના ગુરદાસપુર આવી રહ્યા છે. તેઓ પૂરગ્રસ્ત લોકો અને ખેડૂતોને સીધા મળશે અને તેમના દુ:ખમાં ભાગીદાર થશે તથા પીડિતોને મદદ કરવા માટે પગલાં લેશે.
આ પહેલા ગુરુવારે, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે અમૃતસર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, બે કેન્દ્રીય ટીમો પૂરગ્રસ્ત વિસ્તારોનું મૂલ્યાંકન કરવા માટે પંજાબની પણ મુલાકાત લઈ રહી છે, જે કેન્દ્રને પોતાનો રિપોર્ટ સુપરત કરશે.
ઉલ્લેખનીય છે કે, પંજાબના મોટાભાગના જિલ્લાઓ આ દિવસોમાં પૂરની ઝપેટમાં છે. તેના કારણે રાજ્યના લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આના કારણે થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય નાણાકીય સહાયની સતત માંગ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ