
ભુવનેશ્વર, નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ.સ.): ઓડિશાના રાઉરકેલા શહેરના રઘુનાથપાલી વિસ્તારમાં જ્લ્દા એ બ્લોક નજીક શનિવારે એક નાનું ચાર્ટર પ્લેન ક્રેશ-લેન્ડિંગ થયું. આ અકસ્માતમાં કુલ છ લોકો ઘાયલ થયા.
પરિવહન મંત્રી બિભૂતિ જેનાએ જણાવ્યું હતું કે, ક્રેશ થયેલ વિમાન નવ સીટર પ્લેન હતું અને ભુવનેશ્વરથી રાઉરકેલા જઈ રહ્યું હતું. વિમાનમાં ચાર મુસાફરો અને બે ક્રૂ સભ્યો હતા. ઘાયલ મુસાફરોની ઓળખ સુશાંત કુમાર બિશ્વાલ, અનિતા સાહુ, સુનિલ અગ્રવાલ અને સબિતા અગ્રવાલ તરીકે થઈ છે. ક્રૂ સભ્યોમાં કેપ્ટન નવીન કડાંગા અને કેપ્ટન તરુણ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.
અકસ્માત પછી તરત જ, વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. બધા ઘાયલોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે.
હાલમાં તે સ્પષ્ટ નથી કે, કયા સંજોગોમાં ક્રેશ લેન્ડિંગ થયું. વહીવટીતંત્ર અને સંબંધિત એજન્સીઓએ અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે ઘટનાની તપાસ શરૂ કરી છે.
મુખ્યમંત્રી મોહન માઝીએ વિમાન દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું કે, ભગવાન જગન્નાથની કૃપાથી, બધા મુસાફરો સુરક્ષિત છે, જે ખૂબ જ રાહતની વાત છે.
મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે તેઓ વ્યક્તિગત રીતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે જેથી કોઈ પણ તબીબી સહાય વિના રહી ન જાય. મુખ્યમંત્રી મોહન માઝીએ પણ ભગવાન જગન્નાથને તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી.
હિન્દુસ્થાન સમાચાર / સુનિતા મહંતો / સમનવય નંદા / સત્યવાન
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ