
કાઠમંડુ, નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિ.સ.). ઇન્ડિયન આઇડોલ ના વિનર, ગાયક અને અભિનેતા પ્રશાંત તમાંગનું, રવિવારે સવારે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેમણે ઘણા લોકપ્રિય નેપાળી ગીતો ગાયા હતા.
ફિલ્મ કાર્યકર રાજેશ ઘતાનીના જણાવ્યા અનુસાર, નેપાળમાં અત્યંત લોકપ્રિય પ્રશાંત તમાંગનું આજે સવારે તેમના દિલ્હી એપાર્ટમેન્ટમાં અવસાન થયું. ઘતાનીએ ફોન પર તેમના મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું કે, તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. 43 વર્ષીય તમાંગે નેપાળી ફિલ્મોમાં અભિનય અને ગાયન કર્યું. તેમણે નારાયણ રાયમાજી દ્વારા દિગ્દર્શિત ગોરખા પલટન 2 થી નેપાળી સિનેમામાં અભિનયની શરૂઆત કરી. તેમણે ફિલ્મ હિમ્મત 2 થી પ્લેબેક સિંગિંગમાં ડેબ્યૂ કર્યું.
ત્યારબાદ તેમણે અંગલો માયાકો, કિન માયામા, ધડકન ભીત્ર, નિશાની, અને પરદેશી ભાગ 1 અને 2 જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. તેમણે દિલ, અનમોલ છન, અને હિમ્મત 2 માં પ્લેબેક ગાયું. તેમણે સલમાન ખાન અભિનીત બેટલ ઓફ ગલવાન થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, અને તેઓ ડબિંગની તૈયારી કરી રહ્યા હતા.
ભારતના દાર્જિલિંગમાં જન્મેલા પ્રશાંતે 2011 માં નેપાળી એર હોસ્ટેસ ગીતા થાપા સાથે લગ્ન કર્યા. તેમની એક પુત્રી છે. તેમણે થોડા સમય માટે કોલકાતા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે પણ સેવા આપી હતી. તેમનો પહેલો આલ્બમ ધન્યવાદ, 2007 માં રિલીઝ થયો હતો. તેમના સૌથી જાણીતા ગીતોમાં વીર ગોરખલી અને અસારે મહિનામા શામેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ