
જામનગર, 17 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાનકડા એવા મોટા ભાડુકિયા ગામે મકરસંક્રાંતિના પાવન અવસરે ગ્રામ્ય એકતા અને શિવભક્તિનું એક વિરલ અને ઐતિહાસિક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગામની આસ્થાનું કેન્દ્ર એવું નદીના કિનારે વર્ષોથી અડીખમ ઊભેલું સોમનાથ મહાદેવનું મંદિર કાળક્રમે જર્જરિત થતાં, શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોમાં નવા મંદિરના નિર્માણ માટે પ્રબળ ઈચ્છાશક્તિ જાગૃત થઈ હતી. આ નેક ઈરાદા સાથે લેઉવા પટેલ સમાજની વાડી ખાતે એક વિશેષ બેઠક અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મકરસંક્રાંતિની સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં માત્ર ગામમાં વસતા લોકો જ નહીં, પરંતુ રોજગાર-ધંધાર્થે જામનગર, રાજકોટ, સુરત અને આસપાસના અન્ય શહેરોમાં સ્થાયી થયેલા મોટા ભાડુકિયા ગામના અનેક પરિવારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો જૂના શિવાલય પ્રત્યેની આસ્થાએ તમામ ગ્રામજનોને એક તાંતણે બાંધી દીધા હતા, અને વાતાવરણમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
લેઉવા પટેલ સમાજ ખાતે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં જાણે લક્ષ્મીજીની કૃપા અને મહાદેવના આશીર્વાદ એકસાથે વરસ્યા હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. મંદિરના નવનિર્માણનો પ્રસ્તાવ મૂકતાની સાથે જ દાતાઓએ ઉદાર હાથે દાન આપવાની શરૂઆત કરી હતી.
જોતજોતામાં, માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં ગ્રામજનો દ્વારા રૂપિયા 1 કરોડ 10 લાખ જેવી માતબર રકમનું અનુદાન જાહેર કરવામાં આવ્યું હતું. એક નાનકડા ગામ દ્વારા આટલા ટૂંકા સમયમાં આટલી મોટી રકમ એકત્ર કરવી એ ગ્રામજનોનો સોમનાથ મહાદેવ પ્રત્યેનો અભૂતપૂર્વ સ્નેહ અને સમર્પણ દર્શાવે છે. આ પ્રસંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ શિવાલય માત્ર ઈમારત નથી પણ પેઢીઓથી ચાલી આવતી શ્રદ્ધાનું કેન્દ્ર છે.
દાનની સરવાણી બાદ કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ગ્રામજનો અને બહારગામથી આવેલા મહેમાનોએ સાથે મળીને સમૂહ ભોજન પ્રસાદ લીધો હતો, જેણે ગામની એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt