
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 40 પરિવારોને મળ્યાં આધુનિક સુવિધાયુક્ત આવાસો
અમદાવાદ, 17 જાન્યુઆરી (હિ.સ.) : અમદાવાદમાં હાથીજણ ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત 40 આવાસોનો ડ્રો રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી દર્શના વાઘેલાના વરદ્હસ્તે યોજાયો હતો.
આવાસોના લોકાર્પણ પ્રસંગે મંત્રી દર્શના વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર દરેક નાગરિકનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવા કટિબદ્ધ છે. ખાસ કરીને મહિલાઓ, દીકરીઓ અને બાળકોને સુવિધાજનક તેમજ સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુથી ગુણવત્તાયુક્ત આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મકાનોમાં મેન્ટેનન્સના ખર્ચને ઘટાડવા માટે સોલર પેનલ લગાવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સરકાર માત્ર 5 લાખ રૂપિયાના રાહત દરે આધુનિક સુવિધાઓ ધરાવતા મકાનો પૂરા પાડી રહી છે. સુરતની જેમ અમદાવાદને પણ ખૂબ જ ટૂંક સમયમાં 'ઝૂંપડપટ્ટી મુક્ત શહેર' બનાવવાનું લક્ષ્ય છે, જેના માટે 'ઝૂંપડું ત્યાં ઘર' જેવી યોજનાઓ પર ઝડપથી કાર્ય થઈ રહ્યું છે. તેમણે આવાસ મેળવનાર લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને અન્ય જરૂરિયાતમંદોને પણ આગામી સમયમાં ઘર મળી રહેશે તેવી ખાતરી આપી હતી.
'ડેમોન્સ્ટ્રેશન હાઉસિંગ પ્રોજેક્ટ' હેઠળ 3400 ચોરસ મીટર વિસ્તારમાં EWS-II પ્રકારના 40 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં દરેક આવાસ એક બેડરૂમ, હોલ અને કિચન જેવી આધુનિક સુવિધાઓ ધરાવે છે. આ પ્રોજેક્ટમાં માત્ર રહેઠાણ જ નહીં, પરંતુ માળખાગત સુવિધાઓ જેવી કે સીસી રોડ, સોલર સ્ટ્રીટ લાઈટ, બાઉન્ડ્રી વોલ અને ગટર વ્યવસ્થાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર 05 લાખ રૂપિયાના રાહત દરે પૂરા પાડવામાં આવતા આ મકાનો માટે 167 અરજીઓ મળી હતી, જેનો ડ્રો NIC ના સોફ્ટવેર દ્વારા સંપૂર્ણ પારદર્શી રીતે કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ