
અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) : ખાંભા તાલુકાના વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ માર્ગ કામની આજે વિધિવત શુભ શરૂઆત કરવામાં આવી. ખાંભા તાલુકાના નાના વિસાવદર, નાનીધારી થી લસા ગામને જોડતા મુખ્ય રોડના અંદાજે 3 કરોડ રૂપિયાના ખર્ચે થનારા કામની લોકપ્રિય ધારાસભ્ય જે.વી. કાકડિયાના વરદ હસ્તે શુભ શરૂઆત કરાઈ. આ માર્ગ તૈયાર થતાં વિસ્તારમાં અવરજવર સરળ બનશે તેમજ ગ્રામ્ય વિકાસને વેગ મળશે.
આ પ્રસંગે ધારાસભ્ય જે.વી. કાકડિયાએ જણાવ્યું હતું કે, સારા માર્ગો ગ્રામ્ય અર્થતંત્રની રીઢ સમાન છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને સુવિધા મળે તે હેતુથી રાજ્ય સરકાર સતત માર્ગ માળખાને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. નાના વિસાવદરથી લસા સુધીનો આ રોડ તૈયાર થતાં આસપાસના ગામોને બજાર, આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ સુધી ઝડપી પહોંચ મળશે.
શુભ કાર્યક્રમમાં ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, કાળુભાઈ ફિંડોલિયા, મુકેશભાઈ માંગરોળીયા, હમીરભાઈ ભરવાડ, મનુભાઈ વાળા, રામભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતે ગ્રામજનોએ વિકાસ કાર્ય બદલ સરકાર અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. આ માર્ગ વિકાસ ખાંભા તાલુકા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai