

ભાવનગર/ગાંધીનગર, 17 જાન્યુઆરી (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દિવ્યાંગોનું જીવન સરળ અને ઉન્નત બને તે માટે દિવ્યાંગજનોના હિતમાં રાજ્ય સરકારે અનેક નિર્ણયો કર્યાં છે.
ભાવનગરમાં સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય દ્વારા એડિપ યોજના અને જેટકો તથા પીજીવીસીએલના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન એલિમ્કો અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું,
મુખ્યમંત્રીએ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા એક જ દિવસમાં એક સાથે 1017 દિવ્યાંગજનોને રૂ.1.16 કરોડના સાધન સહાય અર્પણ કરવાના આ નિ:શુલ્ક સાધન સહાય વિતરણ કાર્યક્રમને દિવ્યાંગ કલ્યાણની સરકારની પ્રતિબદ્ધતા ગણાવી હતી.
ભાવનગર અને બોટાદ જિલ્લામાં 15 દિવસ સુધી કેમ્પો યોજીને 2600થી વધુ દિવ્યાંગજનોને રૂ. 3.51 કરોડના 4800થી વધુ સાધનો વિનામૂલ્યે આપીને તેમની આત્મનિર્ભરતાનું મહત્વપૂર્ણ કાર્ય ઉપાડવા બદલ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા અને તેમની ટીમને મુખ્યમંત્રીએ અભિંનદન પાઠવ્યા હતા. આ ઉપરાંત રાજ્યની બે જાહેર કંપનીઓ જેટકો અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે પણ સી.એસ.આર. અન્વયે આ સાધન સહાય વિતરણમાં યોગદાન આપ્યું છે તેની પણ સરાહના કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 4 લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપીને રૂ. 820 કરોડથી વધુની સહાય આપી છે. એટલું જ નહિ, દિવ્યાંગોને પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાડમારી વેઠવી પડતી હતી તેમાંથી પણ મુક્તિ મળી છે. દિવ્યાંગતા પ્રમાણપત્ર આજીવન માન્ય કરવાના નિર્ણયથી દિવ્યાંગોને મોટી રાહત આપી છે.
તેમણે કહ્યું કે, હવે 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા પ્રજ્ઞાચક્ષુઓને સંત સુરદાસ યોજનાનો લાભ અપાય છે. આવી યોજનાઓનો લાભ મળવાથી દિવ્યાંગજનો આત્મસન્માનથી જીવતા થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં દિવ્યાંગોનું જીવન બદલ્યું અને નવી તકો આપી તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સુગમ્ય ભારતથી દિવ્યાંગજનોના કલ્યાણની દિશામાં મોટું કાર્ય કર્યુ છે. આ અભિયાનને કારણે દેશમાં સરકારી કચેરીઓ, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને જાહેર સ્થળોએ દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉભી થઈ છે અને ઈઝ ઓફ લિવિંગ સરળ બન્યું છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનએ પ્રધાનમંત્રી “દિવ્યાશા” કેન્દ્રના નિર્માણની કરેલી પહેલ વિશે છણાવટ કરતા કહ્યું કે, આ કેન્દ્રો મારફતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને નિ:શુલ્ક સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં 300 દિવ્યાશા કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય છે તેમાંથી 100 જેટલા તો કાર્યરત થઈ ગયા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકાવીને દેશનું ગૌરવ વધારવા પણ મોદી સાહેબે આયોજનબદ્ધ કાર્યપદ્ધતિ અપનાવી છે તેની પણ વિગતો આપી હતી. આ અંગે તેમણે કહ્યું કે, ગાંધીનગરમાં 316 કરોડ રૂપિયાના ખર્ચે પેરા એથલિટ્સ માટે હાઈ પર્ફોમન્સ સ્પોર્ટ્સ સેન્ટર નિર્માણ પામી રહ્યું છે. આવનારા સમયમાં યોજાનારી વિશ્વકક્ષાની રમતોમાં આપણા દિવ્યાંગ ખેલાડીઓ વધુને વધુ મેડલ મેળવે તેવી તાલીમ આ હાઇપરફોર્મન્સ સેન્ટરમાં અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત 2047ના સંકલ્પમાં દિવ્યાંગજનોને શિક્ષણ, રોજગાર, ટેકનોલોજી અને ઉદ્યોગોમાં સમાન ભાગીદાર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
કેન્દ્રિય ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજય મંત્રી નિમુ બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં અનેક ક્રાન્તિકારી બદલાવ આવ્યાં છે. દિવ્યાંગજનો માટે સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી છે. સમગ્ર બોટાદ અને ભાવનગર જિલ્લામાં અંદાજે 2700 જેટલાં દિવ્યાંગજનનું ઍસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં શિહોર અને પાલીતાણા તેમજ બોટાદ જિલ્લામાં ત્રણ કેમ્પોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 825 દિવ્યાંગજનોને કુલ રૂ.121.20 લાખની કિંમતના 1577 સાધનો આપવામાં આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર દિવ્યાંગજનને “આત્મનિર્ભર બનાવવા સતત પ્રયાસરત છે. ADIP યોજના હેઠળ લાખો દિવ્યાંગજનોને નિઃશુલ્ક આધુનિક સહાયક સાધનો આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષોમાં દિવ્યાંગજનને સાધન-સહાય માટે અંદાજે 18 હજારથી વધુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને 31 લાખ કરતાં વધુ દિવ્યાંગજનો સુધી સહાય પહોચાડવામાં આવી છે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, “દિવ્યાંગ” શબ્દની ભાવનાત્મક અભિવ્યક્તિ અને દિવ્યાંગજનો માટેની વ્યવસ્થાઓની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે દિવ્યાંગોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે જે સંવેદનશીલ પહેલ કરી હતી, જેનું ફળ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે. દિવ્યાંગ સાધન સહાય કાર્યક્રમો દ્વારા અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સાલસતા, નિખાલસતા અને સંવેદનશીલ કાર્યશૈલી દ્વારા ગુજરાતમાં એક મક્કમ નેતૃત્વ સ્થાપિત કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે. દિવ્યાંગજનના કલ્યાણ માટે સરકાર દ્વારા લેવામાં આવતી પહેલોની તેમણે પ્રશંસા કરી હતી.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે CSR ફંડનો યોગ્ય ઉપયોગ સમાજહિતમાં કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકારી અને ખાનગી કંપનીઓ આગળ આવી રહી છે. દિવ્યાંગજનોને સાધન સહાય મળવાથી તેઓ આત્મનિર્ભર બની શકે છે અને સમાજની મુખ્યધારામાં જોડાઈ શકે છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ