
અમરેલી,17 જાન્યુઆરી (હિ.સ.) સાવરકુંડલામાં માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. IFFCO તરફથી સાવરકુંડલા સ્થિત માનવ મંદિર આશ્રમ ખાતે નિવાસ કરતી મનોરોગી બહેનોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી અંદાજે 100 જેટલા ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકાર્ય બહેનોના દૈનિક જીવનમાં રાહત પહોંચાડે તે આશયથી આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અગ્રણી સમાજસેવકો જેન્તીભાઈ પાનસુરીયા તથા દીપકભાઈ માલાણી સહિતના અગ્રણીઓના વરદ હસ્તે બહેનોને ધાબળાઓ અર્પણ કરવામાં આવ્યા. ઉપસ્થિત મહેમાનોએ આશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને જણાવ્યું કે સમાજના વંચિત વર્ગ સુધી સહાય પહોંચે તેવા પ્રયાસો સતત થવા જોઈએ.
આ પ્રસંગે આશ્રમના સંચાલકોએ IFFCO તથા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આવી સહાયથી બહેનોના આરોગ્ય અને સુખાકારમાં સકારાત્મક અસર પડે છે. કાર્યક્રમ દરમિયાન આશ્રમના સેવાકર્મીઓ, સ્થાનિક આગેવાનો અને સહયોગીઓ હાજર રહ્યા હતા. માનવ મંદિર આશ્રમ ખાતે યોજાયેલું આ ધાબળા વિતરણ કાર્યક્રમ સમાજમાં કરુણા, સહાનુભૂતિ અને સામૂહિક જવાબદારીનું ઉત્તમ પ્રતિબિંબ બન્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai