
અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામમાં માનવતાની ભાવનાને ઉજાગર કરતી એક અનોખી સેવા કાર્યની શરૂઆત કરવામાં આવી છે. દડિયા પરિવારના આર્થિક સહયોગથી આશરે 2 લાખ રૂપિયાના મેડિકલ સાધનો ગામલોકોને નિઃશુલ્ક અર્પણ કરવામાં આવ્યા છે. સંતોના હસ્તે રિબન કાપી આ સેવા કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સેવાકાર્ય માતૃ કંચનગૌરી ખીમજીભાઈ દડિયાના સ્મરણાર્થે અનિલભાઈ અને દિનેશભાઈ દડિયા પરિવારના આર્થિક સહયોગથી શરૂ કરવામાં આવ્યું છે. આ સમગ્ર વ્યવસ્થા પાછળ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના દેવચંદભાઈ સાવલીયાની પ્રેરણાદાયી ભૂમિકા રહી છે, જ્યારે શ્રી લઉવા પટેલ સમાજ સાપર દ્વારા મેડિકલ સાધનોની વ્યવસ્થા અને સંચાલન કરવામાં આવી રહ્યું છે.
મેડિકલ સાધન સંચાલક સંજયભાઈ સુદાણીએ જણાવ્યું હતું કે, સાપર ગામે શરૂ થયેલી આ સેવા માત્ર ગામ પૂરતી સીમિત નથી, પરંતુ આજુબાજુના અનેક ગામોના દર્દીઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે. જરૂરિયાતમંદ દર્દીઓને ટોકન પદ્ધતિથી વ્હીલચેર, ટોઇલેટ ચેર, સ્ટ્રેચર, બેડ સહિતના મેડિકલ સાધનો નિઃશુલ્ક આપવામાં આવે છે. આથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી આર્થિક રાહત મળી રહી છે.
આ મેડિકલ સેવા કેન્દ્રમાં કુલ ૧૪ પ્રકારના મેડિકલ સાધનો ઉપલબ્ધ છે, જેમાં કુલ ૬૪ વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમાં એરબેગ, ગરમ ગાદલું, ચાર પ્રકારના વોકર સહિતના આધુનિક અને ઉપયોગી સાધનો સામેલ છે. દર્દીની જરૂરિયાત મુજબ આ સાધનો આપવામાં આવે છે, જેથી સારવાર દરમિયાન પરિવારને વધારાનો ખર્ચ ન કરવો પડે. બહારના ગામના દર્દીઓ માટે ફક્ત ડિપોઝિટ લેવામાં આવે છે, જેથી સાધનો બિનજરૂરી રીતે ઘરમાં પડી ન રહે અને તેની યોગ્ય કાળજી લેવાઈ શકે. આ વ્યવસ્થાના કારણે સાધનોની સુરક્ષા પણ જળવાઈ રહે છે અને વધુ દર્દીઓ સુધી તેનો લાભ પહોંચે છે. સંજયભાઈ સુદાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે ગામમાં જ મેડિકલ સાધનો ઉપલબ્ધ થતાં પરિવારોને શહેરોમાંથી ભાડે સાધનો લાવવાની ઝંઝટ અને ખર્ચમાંથી મુક્તિ મળી છે.
સાપર ગામે શરૂ થયેલું આ માનવ સેવા કાર્ય ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. દડિયા પરિવાર, ટ્રસ્ટ અને સમાજના સહયોગથી ઉભી થયેલી આ સેવા અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશાનો દીવો બની છે અને ભવિષ્યમાં પણ વધુ લોકોને લાભ મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai