
અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ GPKVB-અમરેલી દ્વારા બગસરા તાલુકાના વડિયા ગામે ખેડૂતો માટે જીલ્લા અંદરના પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેરણા પ્રવાસ પ્રાકૃતિક મોડેલ ફાર્મ ખાતે યોજાયો હતો, જેમાં અંદાજે 50 થી 60 જેટલા ખેડૂતો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
પ્રવાસ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મોડેલ ફાર્મ પર જીવામૃત, ઘનજીવામૃત, દેશી બીજનો ઉપયોગ, ગાય આધારિત ખેતી પદ્ધતિ, જમીન સંરક્ષણ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે બાબતોને પ્રાયોગિક રીતે સમજાવવામાં આવી. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સફળ મોડેલ જોવા અને અનુભવો સાંભળવાનો મોકો મળતા તેમણે વિશેષ રસ દાખવ્યો હતો.
આ પ્રેરણા પ્રવાસનો મુખ્ય હેતુ ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો અને ખેતી ખર્ચ ઘટાડીને આવક વધારવાના માર્ગો બતાવવાનો હતો. હાજર રહેલા ખેડૂતોએ આ પ્રવાસને અત્યંત ઉપયોગી અને માર્ગદર્શક ગણાવ્યો હતો.
કાર્યક્રમ અંતે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાની જાગૃતિ વધતી જોવા મળી હતી અને ભવિષ્યમાં આવા વધુ પ્રવાસો યોજવાની માંગ પણ વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai