વિજપડીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપુજન
અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે આરોગ્ય સેવાઓના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું. સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના વરદ હસ્તે વિજપડી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભાવિ નિર્માણ માટે વિધિવત ભૂમ
વિજપડીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપુજન


અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે આરોગ્ય સેવાઓના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું. સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના વરદ હસ્તે વિજપડી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભાવિ નિર્માણ માટે વિધિવત ભૂમિપુજન કરવામાં આવ્યું. ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમને લઈને ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો.

આ પ્રસંગે તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયતના પ્રમુખ તથા સદસ્યો, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઉપરાંત વિજપડી ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનું લક્ષ્ય છે કે અંતિમ છેડાના નાગરિક સુધી ઝડપી અને સસ્તી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બને. વિજપડીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને પ્રાથમિક સારવાર, માતા-શિશુ સંભાળ, રસીકરણ અને તાત્કાલિક સેવાઓ માટે હવે દૂર જવું નહીં પડે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ કેન્દ્રથી આરોગ્યસેવાઓમાં ગુણવત્તાનો વધારો થશે અને સમયસર સારવાર મળવાથી ગંભીર બીમારીઓને અટકાવવામાં મદદ મળશે. તાલુકા પંચાયતના પ્રતિનિધિઓએ પણ સરકારના આ નિર્ણયને આવકાર આપતા જણાવ્યું કે, ગ્રામ્ય વિકાસમાં આરોગ્ય માળખું મજબૂત થવું અત્યંત જરૂરી છે.

કાર્યક્રમ અંતે ગ્રામજનો દ્વારા ધારાસભ્ય સહિત તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. વિજપડીમાં શરૂ થનારું સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાવરકુંડલા તાલુકા માટે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે અને આવનારા સમયમાં જનહિત માટે લાભદાયી બનશે એવી સર્વસામાન્ય લાગણી વ્યક્ત કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande