
જામનગર, 17 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડરોને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાનું ષડયંત્ર ચલાવનાર મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરાને આખરે જામનગર સાયબર પોલીસે ઝડપી લીધો છે. અદાલતે આરોપીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિશાલ કણસાગરા ભારતમાંથી ભાગીને નેપાળ જતો રહ્યો હતો. તે નેપાળમાં રહીને સોશિયલ મીડિયા પર વિવિધ આઈડી બનાવીને ખોટી પોસ્ટ અપલોડ કરતો હતો. જ્યારે તે પોતાના પિતા હેમતલાલ કણસાગરાને જામીન પર છોડાવવા માટે ભારત પરત ફર્યો ત્યારે સાયબર પોલીસની ટીમે લોકેશનના આધારે તેને દબોચી લીધો હતો.
આરોપી વિશાલ કણસાગરાએ સોશિયલ મીડિયા પર અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને નિશાન બનાવ્યા હતા, જેમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રીને બદનામ કરવા બદલ ફરિયાદ નોંધાઈ હતી. અગ્રણી બિલ્ડર જમનફળદુ અને તેમના પુત્રને ટાર્ગેટ કરવા બદલ બે આઈડી ધારકો સામે ગુનો નોંધાયો હતો.
આ ઉપરાંત વિશાલ કણસાગરાએ સોશિયલ મીડિયા પર બિલ્ડર સ્મિત પરમારને બદનામ કરવાની ધમકી આપી ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ધરપકડ સમયે આરોપીએ પુરાવા નાશ કરવા માટે મોબાઈલમાંથી તમામ વાંધાજનક પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. જો કે, સાયબર સેલની ટીમે આધુનિક ટેકનોલોજીની મદદથી તમામ ડેટા રિકવર કરી લીધો છે. પોલીસે મોબાઈલ ફોન સહિતના સાધનો કબજે કરી આ ષડયંત્રમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.
આરોપી વિશાલ કણસાગરા કોઈ નવો ગુનેગાર નથી, પરંતુ સોશિયલ મીડિયા ફ્રોડનો રીઢો ગુનેગાર છે. તેની સામે અત્યાર સુધીમાં સાયબર ફ્રોડ સંબંધી 11 ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. તેના પિતા હેમતલાલ કણસાગરા સામે પણ સાયબર ફ્રોડના 4 ગુનાઓ નોંધાયેલા છે અને તેઓ હાલ જેલમાં છે. આરોપીએ કબૂલાત કરી છે કે તે સોશિયલ મીડિયા આઈડી બનાવવામાં નિષ્ણાત હોવાથી બિલ્ડરો પાસેથી નાણાં પડાવવા માટે આ પ્રવૃત્તિ કરતો હતો. હાલ સાયબર પોલીસ આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt