

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 11 જાન્યુઆરીએ મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનો શુભારંભ કરાવ્યો હતો
ગાંધીનગર, 17 જાન્યુઆરી (હિ.સ.) : અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા આજે ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત ઉદાહરણ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 11મી જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનો શુભારંભ કરાવ્યો હતો. મેટ્રો નેટવર્કનું હવે મહાત્મા મંદિર સુધી વિસ્તરણ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ સુગમ બનશે તેમજ ખર્ચની પણ બચત થશે.
હજારો કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને થશે લાભ
પ્રવાસીઓને હવે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન સુધીની સીધી કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત, અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા મહત્વના પ્રવાસન સ્થળો સુધી મેટ્રો દ્વારા સરળતાથી પહોંચી શકાશે. મેટ્રો નેટવર્કના આ વિસ્તરણને કારણે હજારો કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને મોટો ફાયદો થશે. ખાસ કરીને, મહાત્મા મંદિરમાં આયોજિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોમાં આવતા મહેમાનો તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.
ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન 11.50 કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી
અમદાવાદ–ગાંધીનગર મેટ્રો સેવાના કારણે છેલ્લા 3 વર્ષોમાં મુસાફરોને સસ્તા અને કાર્યક્ષમ અર્બન પરિવહનનો અનુભવ મળ્યો છે. ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન કુલ 11.50 કરોડથી વધુ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી છે.
જો મહિના અનુસાર આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2023 દરમિયાન દર મહિને સરેરાશ 12થી 27 લાખ મુસાફરોએ મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. આ સંખ્યા 2024માં વધીને માસિક અંદાજે 27થી 35 લાખ નોંધાઈ હતી. વર્ષ 2025માં આ આંકડામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને જુલાઈ અને સપ્ટેમ્બરમાં માસિક 44 લાખથી વધુ મુસાફરોએ મેટ્રો સેવાનો લાભ લીધો હતો.
કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન 2 દિવસમાં રેકોર્ડ 4.11 લાખ મુસાફરોએ મેટ્રોનો લાભ લીધો
ગત વર્ષે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ આઇપીએલ મેચો અને કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન લાખો લોકોએ મેટ્રો યાત્રાને પ્રાથમિકતા આપી હતી. આઇપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો અને રથયાત્રા જેવા કાર્યક્રમો દરમિયાન મુસાફરોની સંખ્યા 1.6થી 2.1 લાખ નોંધાઈ હતી. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ યોજાયેલા બે દિવસના કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન કુલ 4.11 લાખ મુસાફરોએ મેટ્રો સેવાનો ઉપયોગ કર્યો હતો, જે મોટા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં મેટ્રોની ક્ષમતા અને વિશ્વસનીયતા દર્શાવે છે.
અમદાવાદ–ગાંધીનગર મેટ્રો: 68 કિમીનું નેટવર્ક, 53 સ્ટેશન અને લાખો મુસાફરોનો વધતો વિશ્વાસ
મેટ્રો ફેઝ-2 પૂર્ણ થતાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિકસિત 68 કિમીનું મેટ્રો નેટવર્ક હવે 53 સ્ટેશનોને આવરી લેશે. મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવા શરૂ થવાથી ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટશે, ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને મુસાફરોને કિફાયતી તેમજ પર્યાવરણને અનુકૂળ મુસાફરીનો વિકલ્પ મળશે. મેટ્રોના વ્યાપક વિસ્તરણથી એક એવી ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ બની છે જે રાજ્યના નાગરિકોને દાયકાઓ સુધી સેવા આપશે. વૈશ્વિક અર્બન સેન્ટર બનવાની ગુજરાતની યાત્રામાં અમદાવાદ મેટ્રો રેલ એક્સ્ટેન્શન એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ