

ગાંધીનગર, 17 જાન્યુઆરી (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સ, મ્યુનિસિપલ કમિશનર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધીને પ્રાકૃતિક કૃષિ, વૃક્ષારોપણ, ઉર્જા સંરક્ષણ અને સામાજિક સમરસતા જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજ્યપાલએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસનો સાચો અર્થ આર્થિક પ્રગતિની સાથે આવનારી પેઢીઓ માટે શુદ્ધ હવા, પાણી અને ફળદ્રુપ જમીન સુરક્ષિત કરવાનો છે.
રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી હવે રાષ્ટ્રીય મિશન બની ચૂકી છે. તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે, દરેક તાલુકામાં ઓછામાં ઓછું એક પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર હોવું જોઈએ. આ ઉપરાંત મોટા શહેરોમાં તેની સંખ્યા 4 થી 5 રાખવી જોઈએ જેથી નાગરિકોને ઝેરમુક્ત પ્રાકૃતિક ઉત્પાદનો સરળતાથી મળી રહે.
રાજ્યપાલએ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સંબંધિત ગામમાં ઓછામાં ઓછી એક એકર જમીન પર સઘન વૃક્ષારોપણ કરીને 'મિની જંગલ' વિકસાવવા સૂચવ્યું હતું. તેમજ રોપાયેલા વૃક્ષોની જવાબદારી ગામના જ એક-એક પરિવારને સોંપવામાં આવે, જેથી વૃક્ષો પ્રત્યે ભાવનાત્મક જોડાણ કેળવાય અને તેમનું જતન સુનિશ્ચિત થાય.
રાજ્યપાલએ કહ્યું કે, લોકભવન અને અન્ય વિભાગોના પ્રયાસોથી ગત એપ્રિલ માસથી અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 16 કરોડની વીજળીની બચત થઈ છે. તેમણે સ્ટ્રીટ લાઈટોમાં 'સેન્સર' ને બદલે 'ટાઈમર' લગાવવાનું સૂચન કર્યું, જેનાથી દરરોજ લગભગ દોઢ કલાકની વીજળી બચાવી શકાય છે.
જો આપણે પ્રામાણિકતાથી આ કાર્ય નહીં કરીએ, તો આવનારી પેઢીઓ આપણને માફ નહીં કરે. ધરતી માતા, ગૌ માતા અને પર્યાવરણને બચાવવું એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.
આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, લોકભવનના અગ્ર સચિવ અશોક શર્મા, ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડાયરેક્ટર જય પ્રકાશ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ