
અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી શહેરમાં ચાલી રહેલા સી.સી. રોડના નિર્માણ કાર્યનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલા આ માર્ગ વિકાસ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી કામગીરી સમયસર અને ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
નિરીક્ષણ દરમિયાન રોડની જાડાઈ, કંક્રીટની ગુણવત્તા, સાઇડ ડ્રેનેજ વ્યવસ્થા તેમજ કામ દરમિયાન રાખવામાં આવતી સુરક્ષા બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. સાથે સાથે કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય અને નક્કી કરેલી તકનીકી માર્ગદર્શિકાનું પાલન થાય તે બાબતે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
શહેરમાં સતત વધતા વાહનવ્યવહાર અને વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને C.C રોડનું નિર્માણ લાંબા ગાળાની દૃષ્ટિએ લાભદાયી બનશે તેમ જણાવવામાં આવ્યું. આ માર્ગો પૂર્ણ થયા બાદ નાગરિકોને સુગમ અને સુરક્ષિત અવરજવર મળશે તેમજ શહેરની કુલ માર્ગ સુવિધામાં નોંધપાત્ર સુધારો થશે. નિરીક્ષણના અંતે અધિકારીઓને જાહેર હિતને ધ્યાનમાં રાખી કામમાં ઝડપ લાવવા અને ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai