
સોમનાથ,17 જાન્યુઆરી (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાન ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તાજેતરના ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસની અભૂતપૂર્વ સફળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ શ્રદ્ધા અને રાષ્ટ્રવાદનો મહોત્સવ બન્યો છે. ઓમકારના નાદ અને મંત્રોચ્ચારથી ગુંજી ઉઠેલા એક અલૌકિક વાતાવરણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા વિશાળ જનમેદની ઉમટી પડી હતી. મંદિરના પટાંગણ, શહેરના માર્ગો, શૌર્ય યાત્રા અને જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનતાએ વડાપ્રધાનશ્રી પ્રત્યેના અતૂટ પ્રેમ અને વિશ્વાસની પ્રતીતિ કરાવી હતી. નાગરિકોના આ અભૂતપૂર્વ ઉત્સાહની આજે કેબિનેટે ગૌરવભેર નોંધ લીધી હતી.
આ પ્રસંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા મંત્રીએ જણાવ્યું કે, સોમનાથ મંદિરની દિવ્યતા તથા તેના રક્ષણ માટે બલિદાન આપનાર શૂરવીરોનું ગૌરવગાન અને મંદિરના સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ દેશના ખૂણે-ખૂણે પહોંચાડવા માટે વડાપ્રધાનશ્રીએ આગામી એક વર્ષ સુધી સમગ્ર દેશમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યમાં ભક્તિમય અને દેશભક્તિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના વહીવટી તંત્ર દ્વારા સોમનાથ ખાતે માત્ર 4 થી 5 દિવસના અત્યંત ટૂંકા સમયગાળામાં ખૂબ જ ઝડપ અને ચોકસાઈથી સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની 'ગતિશીલતા' અને કાર્યક્ષમતામાં થયેલો વધારો આ સફળ આયોજન દ્વારા સાબિત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સમગ્ર કેબિનેટે આ ભવ્ય સફળતા પાછળ દિવસ-રાત મહેનત કરનાર વહીવટી તંત્રની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ગીર સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ, રાજકોટ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ, અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અને સાબરમતી આશ્રમ તેમજ ગાંધીનગર ખાતે જર્મનીના ફેડરલ ચાન્સેલર સાથે દ્વિપક્ષીય બેઠક અને મહાત્મા મંદિર ખાતેથી મેટ્રોના નવા રૂટના શુભારંભ કાર્યક્રમમાં સહભાગી થયા હત
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ