
જામનગર, 17 જાન્યુઆરી (હિ.સ.) : જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતોમાં પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. બંને અકસ્માત મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર નજીક અલિયાબાડા ગામ પાસે બન્યો હતો. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ અલીયાબાડા નજીક ગોકુલ પર ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા કમલભાઈ કરસનભાઈ આદિવાસી ખેત મજુર પોતાના ભાઈ પવન તથા બનેવી મોહનભાઈ ત્રણેય કરિયાણાનો માલ સામાન ખરીદીને પગપાળા ચાલીને આલિયાબાડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.
દરમિયાન પાછળથી પુર ઝડપે આવી રહેલા બાઈકના ચાલકે સાળા-બનેવી ત્રણેયને હડફેટમાં લઈ લેતાં ઇજાગ્રસ્ત બન્યા હતા, અને ત્રણેયને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બનેવી મોહન કુમારની હાલત નાજુક ગણાવાઈ રહી છે. જયારે બાઈક સવાર પણ ઈજાગ્રસ્ત બન્યો હતો. જે પોતે ખાનગી દવાખાનામાં સારવાર મેળવીને ભાગી છુટ્યા છે. જેને પોલીસ શોધી રહી છે.
અકસ્માતનો બીજો બનાવ લાલપુર નજીક મોટા ખડબા ગામ પાસે બન્યો હતો. ત્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા ગુલમહમદભાઈ નૂરમહમદભાઈ રાઉમાં નામના 55 વર્ષના પ્રૌઢને પાછળથી આવી રહેલી જી.જે. 18 એક્સ 3111 નંબરની બોલેરો પીકપ વેનના ચાલકે હડફેટમાં લઈ હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી છે. જે મામલે બોલેરો પીકપ વેનના ચાલક સામે ફરિયાદ નોંધાવાઇ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt